અમરેલી, તા.૪
અમરેલી જિલ્લા જેલમાં દલિત યુવાનની કસ્ટોડિયલ ડેથ મામલે જેલના ચાર આરોપીઓની એલસીબી પોલીસે ગઈ મોડીરાત્રીના ધરપકડ કરતા આ મામલે નવો વળાંક આવ્યો હતો. મૃતકના ભાઈએ જેલના કોઈ કેદી અને જેલના કર્મચારી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ તપાસમાં જેલના ચાર આરોપીઓએ દલિત યુવાનને મૂંંઢમાર મારી દીવાલ સાથે માથું ભટકાવી હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. દલિતોએ મંગળવારે સવારે ધર્મ પરિવર્તન કરવા કાર્યક્રમ નક્કી કરતાં જ સોમવારની મોડીરાત્રીના એલસીબી પોલીસે તાબડતોડ જેલના ચાર આરોપીઓની ધરપકડ કરેલ હતી. દલિતો દ્વારા હજુ આંદોલન યથાવત રાખેલ છે કે, કારણકે હજુ જેલના કર્મચારીઓની ધરપકડ થઈ ના હોઈ તેથી જ્યાં સુધી આ કેસના તમામ આરોપીઓની ધરપકડ તેમજ સીબીઆઈ તપાસ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. ૭ જુલાઈના મૃતકની લાશ કબરમાંથી બહાર કાઢી કલેક્ટર કચેરી સામે લાવશે. અમરેલી જિલ્લા જેલમાં ગત તારીખ ૧૪/૬ના રોજ રાજુલાના ડુંગર ગામના દલિત યુવાન જીગ્નેશ રમેશભાઈ સોંધરવાની શંકાસ્પદ મોત થતા પરિવારે લાશ નહીં સ્વીકારી તેનું કુદરતી મોત નહીં પરંતુ કોઈએ હત્યા કરી હોવાની કેફિયત આપી હતી બે દિવસના આંદોલન બાદ પોલીસે આ મામલે તા ૧૬/૬ના રોજ મૃતકના કાકા નીતિન સુરાભાઈ સોંધરવાની ફરિયાદ લઇ જેલના કોઈ આરોપીઓ અને જેલના કોઈ કર્મચારીઓ સામે ૩૦૨ મુજબનો ગુનો નોંધ્યો હતો અને એલસીબી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. પંદર દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા દલિતોએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કરી અને મંગળવારે ધર્મપરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની જાહેરાત કરતા જ એલસીબી પોલીસે તાબડતોડ સોમવાર રાત્રીના જ જેલના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં (૧) શિવરાજ મંગળુભાઇ વરૂ, રહે.દુધાળા, તા.જાફરાબાદ (ર) જામસિંગ ભુપતભાઇ સોલંકી (૩) કનુ ધનાભાઇ સતીયા, રહે.બાલાપર, તા.રાજુલા તથા (૪) લખમણ સાર્દુળભાઇ વાવડીયા, રહે.હિંડોરણા, તા.રાજુલા વાળાઓએ ધોલ ધપાટ કરી, પકડીને દીવાલ સાથે માથું ભટકાવી, પછાડી દઇ બાદ લાતો મારી માથામાં મરણતોલ ઇજા કરતાં હેમરેજ થઇ જતાં સારવાર દરમિયાન મરણ પામેલ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતાં પૂરતો પુરાવો મેળવી ચારેય કેદીઓને વધુ પૂછપરછ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પૈકીનો (૧) શિવરાજ નાગેશ્રી પો.સ્ટે.ના ખુનની કોશીશના ગુનામાં (ર) જામસિંગ ખાંભા પોલીસ સ્ટે.ના ખુનના ગુનામાં (૩) કનુ સતિયા ડુંગર પોલીસ સ્ટે.ના તથા (૪) લખમણ વાવડીયા રાજુલા પોલીસ સ્ટે. અમરેલી જિલ્લા જેલમાં કેદી તરીકે હતાં. મૃતક જીગ્નેશની લાશ તા.૭ના રોજ કબરમાંથી બહાર કાઢી કલેક્ટર કચેરી સામે લાવશે અને ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને અને વિધાનસભા ગૃહમાં લઇ જવાના પણ દલિતોએ કાર્યક્રમ ઘડ્યા છે. દલિત યુવાનની જેલમાં હત્યા કરવાના બનાવામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ તો કરી છે પરંતુ દલિત યુવાનને ક્યાં કારણોસર બેરેક નંબર ૨મા ચારેય આરોપીઓએ મારમારી હત્યા કરી તે અંગેનું કારણ હજુ સુધી પોલીસ પાસે નથી. આ કેસની તપાસ કરતા અધિકારી ડીવાયએસપી રાજેશ પરમારને હત્યા કરવાનું ચોક્કસ કારણ પૂછતાં તેમણે હજુ તપાસ શરૂ હોવાનું જણાવ્યું હતું.