(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં બે દલિતો સાથે ગાળાગાળી કરીને ધમકી આપનાર તથા તેમને કિચડવાળા પાણીમાં જવા મજબૂર કરનાર ભાજપના એક પૂર્વ નેતા ભારત રેડ્ડીની સોમવારે ધરપકડ કરવામાં આવી. છેલ્લા એક મહિનાથી નાસતા-ફરતા મેડિગામ જયા ભારત રેડ્ડી ઉર્ફ ભારત રેડ્ડી જેઓ ભાજપના સ્થાનિક નેતા છે તેમની હૈદરાબાદમાંથી ધરપકડ કરવામાં આવી અને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં. સપ્ટેમ્બર આ જિલ્લામાં બનેલી ઘટનાનો વીડિયો પણ વાયરલ બન્યો હતો અને કેટલીક ટેલિવિઝન ચેનલો પણ દેખાડવામાં આવ્યો હતો. વીડિયોમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતાં દાઢીવાળા રેડ્ડી દલિતોને જાતિવાદી ગાળો ભાંડી રહ્યાં હતા અને તેમને ધમકી આપતા નજરે પડ્યાં હતા અને સજા તરીકે આરોપી નેતાએ દલિતોને તળાવમાં ઉતાર્યાં હતા. આરોપી નેતાએ દલિતોની સામે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો વીડિયોમાં એવું પણ જોવા મળ્યું હતું કે બે દલિતો તળાવમાં ઉતર્યાં અને ડૂબકી લગાવી હતી આ દરમિયાન રેડ્ડી તેમને બેફામ ગાળો આપી રહ્યો હતો. વીડિયો વાયરલ બન્યાં બાદ, આઈપીસીની ધારા હેઠળ આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો. ઘટના વિશે વાત કરતાં તેલેગાણા ભાજપે કહ્યું કે વાયરલ વીડિયોમાં મીડિયાના અમુક વર્ગો જે રીતે ખોટી રજૂઆત કરવામાં આવી રહી છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. પાર્ટીએ એક નિવેદન જારી કરતાં કહ્યું કે નિઝામાબાદમાં દલિતો પર જંગલીપણું દાખવી રહેલા અને તેમની સાથે ગાળાગાળી કરી રહેલા અમારા કોઈ નેતા નથી કે તેઓ પાર્ટીમાં કોઈ હોદ્દો પણ ધરાવતા નથી. તેમણે કહ્યું કે ખોટી રજૂઆત કરી રહેલા તત્વોની સામે કાનૂની પગલાં ભરવાનું તેલંગાણા ભાજપ યુનિટ વિચારણા કરી રહ્યું છે.