અમદાવાદ, તા.૧૦
આજે અમિત શાહ દ્વારા ૨૦૧૭ની ચૂંટણીમાં દલિત સમાજના મત ખંખેરવાની સસ્તી રાજનીતિના ભાગરૂપે યુવા-સંવાદ દરમિયાન એવી જાહેરાત કરી કે ગુજરાતમાં બીજા રાજ્યો કરતા દલિતો પર અત્યાચાર ઓછા થાય છે અને બીજા રાજ્યો કરતા દલિતોની સ્થિતિ અહિંયા સારી છે. અમે રાષ્ટ્રીય દલીત અધિકાર વતી આ વાતને સદંતર વખોડીએ છીએ અને સ્પષ્ટ કરીએ છીએ કે ગુજરાતમાં દલિતોની સ્થિતી અત્યંત દયનીય છે. ગુજરાત સરકારના પોતાના જ આંકડા મુજબ , વર્ષ ૨૦૧૬માં રાજ્યમાં દલિત અત્યાચારની ઘટનાઓએ માજા મૂકી છે અને આ વર્ષે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડાઓ મુજબ ગુજરાતમાં ૧૧૦૦ થી વધુ એટ્રોસિટીની ઘટનાઓ નોંધાઈ છે. ૨૦૧૬માં અત્યંત જઘન્ય કહી શકાય એવી ખૂન અને બળાત્કારની ઘટનાઓમાં પણ ભયંકર વધારો થયો છે. વર્ષે ૯૨ દલિતોની રાજ્યમાં હત્યાઓ થઈ અને ૮૦થી વધુ બહેનો ઉપર બળાત્કાર ગુજરાતમાં આવ્યા, જે પૈકીના એક પણ કેસમાં રાજ્ય સરકારના કોઈ મંત્રી તો ઠીક અનામતની બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના એકપણ ધારાસભ્ય દ્વારા પીડિત દલિત બહેનોની મુલાકાત સુધ્ધાં લેવામાં આવી નથી. એમ દલિત અગ્રણી જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુૃં છે વધુમાં તેણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં દલિત બહેન-દીકરીઓની સુરક્ષાની સ્થિતિ એવી ભયંકર ચિંતાજનક છે કે ૨૦૦૪માં ૨૪ દલિત બહેનો પર બળાત્કાર થયા હતા તે ૨૦૧૬માં ૩૦૦ ટકાના શરમજનક વધારા સાથે ૮૦ ઉપર નોંધાઈ છે. ગુજરાતમાં મૃત પશુઓની ચામડી ઉતરવામાં આવે તો પણ દલિતોને મારવામાં આવે છે અને આ જાતિ-આધારીત પરંપરાગત કામ કરવાની દલિતો ના પાડે તો પણ દલિતોની ચામડી ઉતારવામાં આવે છે. આવી ભયંકર દુર્દશામાં દલિતો જીવતા હોવા છતાં અમિત શાહ કયા મોઢે એમ કહેતાં હશે કે રાજ્યમાં દલિતોની સ્થિતિ સારી છે ? ૨૦૧૭ની ચૂંટણીને નજરમાં રાખી ભોળા દલિતોને છેતરવાની પેરવી અમિત શાહ કરતાં હોય તો હું કહી દેવા માંગુ છું કે દલિતોની નવી પેઢી તૈયાર થઈ ચૂકી છે જે તમારા હિંદુ રાષ્ટ્રના એજન્ડામાં જોડાવાની નથી, નથી ને નથી જ..અમિત ભાઈ, ચૂંટણી ટાણેના દલિતોને રિઝવવાના તમારા કિમીયા ક્લીક થવાના નથી તે સમજી લેજો. ઉના કાંડના પીડિતોને ન્યાય આપવાની વાત તો દૂર રહી, રાજ્યની સરકાર દ્વારા ઉના કાંડ વખતે જે વચનો આપવામાં આવ્યા હતા તેમાંથી એકપણ વચન પાળવામાં આવ્યું નથી. ઉના કાંડની ચાર્જશીટમાંથી ફલિત થયું કે આ એક પૂર્વ-આયોજિત કાવતરું હતું ને દલિતોને રંજાડવા માટે જ મરેલી ગાય ને જીવતી બતાવવામાં આવી હતી. આ સ્થિતિમાં રાજ્યની સરકારે ગૌ-રક્ષકોની સમિતિઓ પર પ્રતિબંધ મૂકવાને બદલે કાયદો એવો બનાવવામાં આવ્યો કે ગાયના નામેં માણસને મારી નાખો તો કંઈ નહીં પણ જો ગૌ-હત્યા કરો તો જીવનભર કારાવાસમાં. શુ આ જ સબક લીધો તમારી સરકારે ઉના કાંડ માંથી ?
આજે પણ સેંકડો ગામમાં દલિતો કાં પોલીસ રાક્ષણમાં જીવે છે કે તેમનો સામાજિક બહિષ્કાર ચાલુ છે.
અને ખાસ તો એટ્રોસિટીના કેસોમાં સજાનો દર ૩ ટકાથી પણ ઓછો છે, મતલબ કે રાજ્યમાં ૧૦૦ એટ્રોસિટીની ઘટના બને તો તેમાંથી ફક્ત ૩ જણાને સજા થાય છે અને બાકીના ૯૭ નિર્દોષ છૂટી જાય છે. આ છતાં સરકાર એટ્રોસિટીના કાયદામાં જોગવાઈ છે તે. મુજબ એકપણ સ્પેશિયલ કોર્ટ કાર્યાન્વિત કરવા તૈયાર નથી.
એટલે અમિત શાહ અમારે દલિતોને મન આ ‘સૌનો સાથ અને સોનો વિકાસ’ને બદલે ‘દલિતોને ત્રાસ અને દલિતોના વિનાશ’નું મોડલ છે. એટલે મહેરબાની કરી ગુજરાતના દલિતોની સ્થિતિ બીજા રાજ્યો કરતા ખૂબ સારી છે આવી જુમલબાઝી બંધ કરી દો. એમ રાષ્ટ્રીય દલિત આધિકાર મંચના કન્વીનર જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.