(એજન્સી)
નવી દિલ્હી, તા.રર
દિલ્હીમાં રવિદાસ મંદિર તોડવા બદલ વિરોધ પ્રદર્શનો કરવા દિલ્હીના રામલીલા મેદાનમાં ભીમ આર્મીના કાર્યકર્તાઓ જોડાયા હતા. જે પછી પોલીસે એમની ઉપર લાઠીઓ વરસાવી હતી અને ટીયર ગેસ છોડ્યા હતા અને પછીથી આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ સમેત ૮૦ કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. આ ધરપકડ પછી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ ઉપર હુમલો કર્યો છે. પોલીસે આઝાદ અને એમના કાર્યકરો સાથે ઈપીકોની કલમો ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૩પ૩ અને ૩૩ર હેઠળ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું ભાજપ સરકાર પહેલાં કરોડો દલિતોના સાંસ્કૃતિક વારસાના પ્રતિક રવિદાસ મંદિરના સ્થળને તોડી પાડે છે અને જ્યારે દેશની રાજધાનીમાં હજારો દલિતો પોતાનો અવાજ ઉઠાવે છે તો ભાજપ એમની ઉપર લાઠીઓ વરસાવે છે, ટીયર ગેસ છોડે છે અને ધરપકડો કરે છે. દલિતોના અવાજનો આ અપમાન અસહનીય છે. આ એક લાગણીશીલ મામલો છે. એમના અવાજને આદર આપવો જોઈએ. એમણે લખ્યું ગરીબ જો અવાજ ઉઠાવે તો એ ગુનેગાર છે, ભાજપ છે તો શક્ય છે. પોકળ મીડિયા નહીં બતાવશે અને જણાવશે કારણ કે, આ સત્ય અસુવિધાજનક છે. સુપ્રીમકોર્ટના આદેશના પગલે ડીડીએ દ્વારા રવિદાસ મંદિર તોડી પડાયો હતો જેનો વિરોધ પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં થઈ રહ્યું છે.