માંગરોળ,તા.૨૧
માંગરોળના ભાદ્રેચા ડેમનો તૂટેલો પાળો આજે નવ માસ પછી પણ રિપેર ન થતા આ વષેં પણ લાખો ગેલન પાણી દરિયામાં વહી જવાની ભીતિ સેવાઈ રહી છે.
માંગરોળ તાલુકાના શેખપુર ગામની બાજુમાં નોલી નદી ઉપર આશરે ૭૮ વર્ષ અગાઉ બાંધવામાં આવેલા ડેમની પાણીની સંગ્રહ ક્ષમતા ૪૨.૪૫ કરોડ લીટર છે. માંગરોળ પંથક માટે આ ડેમ ઘણો લાભદાયી છે. ચોમાસા દરમ્યાન અહી પાણીનો સંગ્રહ થતા આજુબાજુના ગામોના પાણીના સ્તર સુધરે છે, ડેમમાં પાણીના સ્તર ઊંચા આવતા ખેતીની જમીનને તેનો સીધો ફાયદો થાય છે. તેમજ માંગરોળ નગરજનોને પીવાનું પાણી પૂરૂં પાડવાનો મુખ્ય સ્રોત ગણાય છે.
ગત વષેં તા.૩૧/૦૮/૨૦૧૭ના રોજ આ ભાદ્રેચા ડેમનો પાળો તૂટી જતાં આશરે ૨૫ મીટર ગાબડું પડી ગયેલ અને લાખો ગેલન પાણી વહી ગયું હતું. જો કે સ્થાનિક કચેરીએ બીજા જ દિવસે પોરબંદરની વડી કચેરીને રિપોર્ટ કરી આ કામનું અંદાજપત્ર રજુ કયું હતું. તદ્‌ઉપરાંત માંગરોળ-માળિયાના ધારાસભ્યની અનેક રજૂઆતો છતાં પણ સરકારી તંત્રમાં ગોકળ ગાયની માફક ચાલેલી કાગળની કાયંવાહીમાં સાત માસ જેટલો સમય વીતાવી કોઈ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નહોતો.
આખરે આ મામલાને પત્રકારો દ્વારા મોટાપાયે ઉપાડવામાં આવતા નેતાઓ સહિત સરકારી તંત્ર દોડતું થઇ ગયું હતું. અને તાત્કાલિક અસરથી આ કામના ઓર્ડરો છૂટતાં કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ અત્યારે પાળાનો પાયો બાંધવા માટે થોડો ખાડો કરી ચારે બાજુ માટીના ઢગલા કરી છેલ્લા ૬ દિવસથી આ કામગીરી ખસ્તાહાલતમા સદંતર રીતે બંધ પડી છે. માથે ચોમાસું મંડરાય રહ્યું છે. વરસાદ ક્યારે તૂટી પડે તેનું કાંય નક્કી નહી ત્યારે અધુરી કામગીરી દરમિયાન જો મોટો વરસાદ થાય તો મથાળેથી આવતા પાણીના લીધે ડેમના પાળાને વધુ નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે આ કામગીરી પૂર્ણ થશે કે કેમં તે પણ એક પ્રશ્ન છે.
આ બાબતે કોન્ટ્રાક્ટર અનિલભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે જીસીબી કે હીટાચી નથી. જીસીબી આવે તો કામ ચાલે..! આખરે આ બાબતની જવાબદારી કોની રહે છે? જીસીબી જેવી મશીનરી ન હોય તેવી કંપનીને આ કામ કેવી રીતે પૂરૂ કરી શકશે ?
ધારાસભ્ય બાબુભાઈ વાજા શું કહે છે?
આ બાબતે ધારાસભ્ય બાબુભાઈ વાજા એ જણાવ્યું હતું કે અમે એન્જીનિયર સાથે વાત કરતાં તેઓ એવું જણાવે છે કે અમે જેસીબી વાળાને શોધીએ છીએ..! જેસીબી પંદર દિવસે પણ ન મળે તો શું વરસાદ થયા પછી કામ કરશે? અત્યારે બધુ ખોદીને અધૂરૂં મૂકી દીધું છે તો જે સલામત છે એ પણ તણાઈ જશે. તાત્કાલિક રીતે અત્યારે તળિયાનુ કામ નહીં થાય તો વરસાદ પછી કામજ થવાનું નથી. આ રીતે કામગીરી ખોલ્યા પછી કોન્ટ્રાક્ટર એવું કહે કે મારી પાસે હીટાચી કે મશીનરી નથી તે કેટલી હદે યોગ્ય છે. અમને તો એવી આશંકા લાગે છે કે આખો પૂલ તણાઈ જાય તો નુકશાન થાય..! તેવી નિતિથી ગોકળગતિથી કામ થઈ રહ્યું છે.