(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
ગુજરાત વિધાનસભાની સામી ચૂંટણીએ સુરત તથા નવસારી પોલીસે દમણથી દારૂ લઇને આવતી મહિલાઓ સહિનાઓએ ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની ગેરકાયદેસરની હેરાફેરીના ત્રણ કેસ નોંધ્યા હતા. જેમાં ટ્રકમાં દમણથી દારૂનો જથ્થો લાવનાર આઠ મહિલા સહિત ૧૦ જણાને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યાની ઘટનાનો પણ સમાવેશ થાય છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત પીસીબી પોલીસના હે.કો. વિનોદ કાળુભાઈને મળેલી બાતમીના આધારે સરથાણા પોલીસને ઉંઘતી રાખી. સોમવારની મોડી રાત્રે સરથાણા પોલીસની હદમાં સણિયા હેમાદ ગામે નિધિ ફાર્મની સામે તથા નિધિ ફાર્મની પાછળ આવેલ ખેલ્લા ખેતરમાં કૂવાની બાજુમાં આવેલ સિમેન્ટની કુંડીની અંદરથી રૂા.૭૭,૬૦૦ની કિંમતના ૩૩૬ નંગ બિયરના ટીન તથા ૪૭૮ નંગ દારૂની બાટલીઓ કબજે લઈ ૧૬ અને ૧૭ વર્ષના બે સગીર યુવકોની ધરપકડ કરી હતી. પીસીબીએ બંને સગીરની પૂછપરછ હાથ ધરતા સણિયા હેમાદ ગામે પારસી ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ગીતાબેન અનિલભાઈ રાઠોડની માલિકીનો જથ્થો વેચવા આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી પીસીબીએ પણ બંને સગીરની ધરપકડ કરી બંને કબજા સરથાણા પોલીસને સોંપ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સચીન જીઆઈડીસી પોલીસના સબ ઈન્સ્પેક્ટર એમ.એમ.મોર્ય તથા સ્ટાફના માણસો મંગળવારે રાત્રે સચીન હજીરા રોડ પર સચીન જીઆઈડીસીના ગેટ નંબર પાસેથી જીજે-૨૧-ડબલ્યુ-૮૯૦૧ નંબરની ટ્રક સાથે તેના ચાલક અરૂણ શ્રીમનજેશ શાહુ અને કલીનર હબુલાલ ગંગા શાહુને પકડી પાડી ટ્રકની તલાશી હાથ ધરી હતી જ્યાં ભરથાણા ગામની મહિલા બુટલેગરો ધન્ના રાકેશ બારિયા, મીના છગન ભુરિયા, સુમી મનિયા ભુરિયા, લીલા માનસિંગ મોહણિયા, સરલા હરમલ બારિયા, કુમુ મોહનભાઈ બારિયા, મંજુ બદિયા ભુરિયા અને રીમા નંગરસિંગ પલાસને ઝડપી પાડી તેઓની પાસેથી અલગ-અલગ પોટલામાં રહેલ રૂા.૬૧,૧૦૦ની કિંમતની દારૂની ૧૫૭૦ નંગ બોટલો મળી હતી. જેના પગલે સચીન જીઆઈડીસી પોલીસે ભરથાણા ગામની આઠ મહિલા બુટલેગર સહિત ૧૦ની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી રૂરલ પોલીસ મથકના પીઆઈ બી.એમ. પરમારની ટીમે નેશનલ હાઈવે નં.૮ ઉપરના બોરિયાચ ટોલનાકે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, એક ટાઈવોલ કાર નંબર વિનાનીમાં ગેરકાયદે વગર પાસ પરમીટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જનાર છે. જે આધારે પોલીસે ટાઈવોલ કાર આવતા તેને અટકાવી તપાસ કરતા કારમાંથી ગેરકાયદે વગર પાસ પરમીટની ઇંગ્લિશ દારૂ વ્હીસ્કી, બિયરની નાની મોટી કુલ ૬૦ નંગ બાટલીનો જથ્થો કિંમત રૂા.૪૫,૬૦૦નો મળી આવ્યો હતો. પોલીસે કારચાલક દિનેશ રાજેન્દ્રભાઈ રાજપૂત (રહે. મોગરવાડી, વલસાડ)ની ધરપકડ કરી હતી અને કાર કિંમત રૂા.૬,૫૦,૦૦૦ તથા એક મોબાઈલ ફોન ૫૦૦ રૂપિયાનો તથા ઇંગ્લિશ દારૂ મળી કુલ રૂા.૬,૯૬,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે નવસારી રૂરલ પોલીસમાં હે.કો. વિક્રમસિંહે ખેપિયા દિનેશ રાજપૂત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.જી. દેસાઈ તપાસ કરી રહ્યા છે.