(એજન્સી) તા.૧ર
સીરિયાના આંતરિક બાબતોના મંત્રાલયે આપેલી માહિતી અનુસાર પાટનગર દમાસ્કસમાં આવેલા પોલીસ મુખ્યમથકે ત્રણ આત્મઘાતી હુમલાખોરોએ બોમ્બ વડે પોતાને ઉડાવી લેતાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય છ લોકો ઘવાયાના સમાચાર છે. આ ઘટના બુધવારે બની હતી જ્યારે ત્રણ આતંકીઓએ પોતાને દમાસ્કસના કેન્દ્રમાં આવેલ ખાલિદ બિન વલિદ સ્ટ્રીટમાં આવેલી પોલીસ મુખ્યમથકની ઇમારત નજીક પોતાને ઉડાવી લીધા હતા. મંત્રાલયે આપેલી માહિતી અનુસાર આ ત્રણેય આતંકીઓ પોલીસ મથકમાં ઘૂસણખોરી મોટી દુર્ઘટના સર્જવા માગતા હતા. જોકે ગાર્ડ લોકોએ આ આતંકીઓ પર ખુલ્લો ગોળીબાર કર્યો હતો. જેથી તેઓ ઈમારતમાં ઘૂસણખોરી તે પહેલા જ તેમને નજીકમાં જ ઠાર કરી દેવામાં આવ્યા હતા. આ હુમલો નિષ્ફળ બનાવવામાં ગાડ્‌ર્સને સફળતા મળી છે. જોકે દરમિયાન બે આત્મઘાતી હુમલાખોરોએ પોલીસ મુખ્યમથકની સામે જ તેમના બોમ્બમાં વિસ્ફોટ કરી દીધો હતો. જોકે ત્રીજાએ સુરક્ષાદળોના ગોળીબારને કારણે ઇમારતની પાછળ જઇને વિસ્ફોટ કર્યો હતો. મંત્રાલયના જણાવ્યાનુસાર બે બાળકો આ હુમલામાં ઘવાયા છે. જોકે એક પોલીસકર્મી પણ શહીદ થયા છે. આ માહિતી દમાસ્કસ પોલીસના વડા મોહમ્મદ ખૈરુ ઇસ્માઇલે આપી હતી. તેમણે કહ્યું કે આ આતંકીઓને રોકવાનો પ્રયાસ કરવા જતાં અમારા એક પોલીસકર્મી શહીદ થયા છે. જોકે આઇએસના આતંકીઓએ જ આ હુમલો કરવાની આશંકા છે.
અમાક એજન્સી મારફતે આઇએસએ આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. બુધવારે થયેલ આ આતંકી હુમલો ગત મહિનાઓમાં આ બીજો છે. ચાલુ મહિને જ આતંકીઓના સમૂહે એક અન્ય પોલીસમથકે જોરદાર બોમ્બમારો કર્યો હતો. દરમિયાન ૧પ નાગરિકોનાં જ મોત થયા હતા. આઇએસના આતંકીઓએ જ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.