(એજન્સી) તા.૨
ઓક્ટો.૨૦૦૯માં માર્ગાઓ ખાતે થયેલા બોંબ બ્લાસ્ટમાં જ્યારે સનાતન સંસ્થાની શંકાસ્પદ પ્રવૃત્તિઓ જ્યારે ઉઘાડી પડી ગઇ હતી તેના હવે એક દાયકા બાદ આ ગ્રુપની હિટલિસ્ટમાં કોંકણી લેખક દામોદર માઉજોનું નામ પણ હતું એવો પોલીસે ઘટસ્ફોટ કરતા ખળભળાટ મચી ગયો છે. માઉજોને ખતરો હોવાની કર્ણાટકના ગુપ્તચર અહેવાલોમાં ગોવા સરકારને સતર્ક કરાયા બાદ સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા માઉજોને સુરક્ષા કવચ પૂરૂં પાડવામાં આવ્યું છે. ગોવાના આ લેખક આમ પણ જમણેરી આતંકવાદ દ્વારા ઉશ્કેરવામાં આવેલ ભયની સંસ્કૃતિની વાચાળ ટીકા કરવાના કારણે નિશાન પર હતા જ. જાન્યુ.૨૦૧૬માં ગુજરાતમાં દાંડી ખાતે એક પરિસંવાદમાં બોલતા માઉજોએ જણાવ્યું હતું કે તેમને પોતાના ગોવાના સ્ત્રોત અંગે ગર્વ છે કારણ કે આ રાજ્ય એ એખલાસભર્યા સહ અસ્તિત્વનું એક ઉદહરણ છે. સાથે સાથે તેમને સનાતન સંસ્થા ગોવામાં છે એ હકીકત તેમના માટે શરમજનક છે. માઉજોએ વધુમાં જણાવ્યું હતું કે સનાતન સંસ્થા સાથે કૂણું વલણ દાખવવાથી અને તેમની વાતો સ્વીકારવાથી આવી જમણેરી પાંખની સંસ્થાઓની હિંમત વધુ ખુલી જાય છે. તેમણે જણાવ્યું હતું કે સનાતન સંસ્થા પ્રત્યે હવે કૂણું અભિગમ દાખવવાનું બંધ કરો. માઉજોએ સાથે સાથે એવું પણ જણાવ્યું હતું કે સનાતન સંસ્થાના વિકાસ અને તેની ઝેરી વિચારધારાને ફેલાવવા બદલ એકલા ભાજપને દોષી ગણાવી શકાય નહીં. કોંગ્રેસે પણ આ સંગઠન અને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ભાગ્યે જ ધ્યાન આપ્યું છે. દામોદર માઉજોએ સનાતન સંસ્થા પ્રત્યે કૂણું વલણ દાખવવાનું બંધ કરવા અનુરોધ કરીને જણાવ્યું હતું કે જમણેરી પાંખના સંગઠનો દ્વારા જે ભયની સંસ્કૃતિનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેનો મુકાબલો કરવા સામાન્ય લોકોએ હવે તૈયાર થવું જોઇએ.