અમદાવાદ, તા.૮
રાજકોટ શહેરના હંસરાજનગરમાં રહેતા એક દંપતિએ મકાનની લોનના હપ્તા ભરપાઇ નહીં થતાં તેની ચિંતામાં પોતાની ૧૬ મહિનાની પુત્રીને ગળે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ રાત્રે જાતે જ બંનેએ બ્લેડથી ઘસરકા કરી હાથની નસ કાપી નાખી હતી તેમ છતાં મૃત્યુ નહીં મળતાં રવિવારે સવારે બંનેએ સજોડે શરીરે આગ ચાંપી દીધી હતી. જેમાં હાલ બંનેની હાલત હોસ્પિટલમાં ગંભીર હોવાની વાત સામે આવી રહી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને માત્ર ૧૬ મહિનાની બાળકીની હત્યાને લઇ અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના હંસરાજનગરના મહેશ્વરપાર્કમાં રહેતા મનીષભાઇ મહેશભાઇ રાવસાણી (ઉ.વ.૨૯) અને તેના પત્ની ભાવિકાબેન રાવસાણી (ઉ.વ.૨૫) તેમની ૧૬ મહિનાની બાળકી સાથે રહે છે. તેમણે મકાન ખરીદવા માટે અગાઉ રૂા.૩૦ લાખની લોન લીધી હતી. પિતા સાથે ફૂટવેરનો વેપાર કરતાં મનીષભાઇ ધંધો બરોબર નહીં ચાલતા લોનના હપ્તા ભરી શકતા નહોતા અને બેંકના હપ્તા ચઢી જતાં પતિ-પત્ની બંને આ બાબતે સતત ટેન્શનમાં રહેતા હતા. આર્થિક સંકડામણ અને બેંક લોનની ચિંતામાં શનિવારે રાત્રે આ દંપત્તિને ક્રૂર વિચાર આવ્યો હતો અને તેમની ૧૬ મહિનાની નિંદ્રાધીન પુત્રી ખુશીને ગળે ડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મનીષભાઇ અને ભાવિકાબેને જાતે જ પોતાના હાથ પર બ્લેડથી ઘસરકા કરી હાથની નસ કાપી નાખી હતી અને બંનેએ ઘેનના ટીકડાં પી લીધા હતા. હાથની નસ કાપવાથી બંનેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
આખી રાત બંને તડપતા રહ્યા હતા. પરંતુ તેઓનું મોત નીપજયુ નહોતું. તેથી રવિવારે સવારે બંનેએ મોતના નિશ્ચય સાથે કેરોસીન છાંટી સજોડે અગ્નિસ્નાન કરી લીધું હતું. બંનેને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે પતિ-પત્નીએ લખેલી સ્યુસાઇડ નોટ પણ કબજે કરી હતી.

અમારા પ્રિયજનોએ જ અમને આપઘાત કરવા મજબૂર કર્યા

મનિષભાઇ પત્ની ભાવિકાએ સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતું કે, હું ભાવિકા મનિષભાઇ રાવતાણી પોતાના પૂર્ણ હોશ હવાસમાં આ પત્ર લખું છું. હું અને મારા પતિ જીવનથી કંટાળી ગયા છીએ. અમારા જીવનમાં આવતી રોજની પરીક્ષાઓથી લડી અને સંઘર્ષ કરી અમે થાકી ગયા છીએ. અમારા જીવનને બરબાદ કરવામાં અમારા પોતાના જ નહીં અન્ય લોકો પણ પ્રયત્ન કરી ચૂક્યા છે. જ્યારથી અમે નવું મકાન લીધું ત્યારથી અમને પાછા પાડવામાં પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમારા પ્રિયજનો કે જેઓએ અમને આપઘાત કરવા મજબૂર કર્યા છે. તેમના નામ જીતુભાઇ વાસુદેવ રાવતાણી, ઉષા જીતુભાઇ રાવતાણી, દિનેશભાઇ મુકેશભાઇ રાવતાણી, સંજયભાઇ મુકેશભાઇ રાવતાણીનો સમાવેશ થાય છે. આ સૌએ અમને આ અપરાધ કરવા મજબૂર કર્યા છે. બીજીબાજુ, પતિ મનિષે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મમ્મી, પપ્પા, કવિતા અને સાહિલ હું તમારો જમાઇ મનિષ. ભાવિકાએ જેમ જણાવ્યું તેમ હું પણ હવે થાકી ગયો છું. રોજ રોજના આ ત્રાસથી હવે એકવાર મરવાનો જ રસ્તો સરળ લાગે છે અને હું તમારી પાસેથી માફી માગુ છું કે મેં તમારી દીકરીને જીવનની બધી ખુશી આપવામાં અસફળ રહ્યો છું. મને માફ કરશો, હું તમારા કહ્યા પર ખરો ન ઉતર્યો.