(એજન્સી) ચેન્નાઈ, તા.૮
તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ દિવંગત એમ કરૂણાનિધિએ મૃત્યુ પહેલાં જ એમની વારસાગત જમીન ટ્રસ્ટને દાનમાં આપી દીધી હતી. કરૂણાનિધિએ મૃત્યુ પહેલાં એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે, એમના મૃત્યુ બાદ ગરીબો માટે હોસ્પિટલનું નિર્માણ કરવા એમની વારસાગત જમીન ટ્રસ્ટને આપી દેવામાં આવે. આ માટે તેમણે મૃત્યુ પહેલાં જ વારસાગત જમીન ટ્રસ્ટના નામે કરી દીધી હતી. દિવંગત કરૂણાનિધિએ કહ્યું હતું કે, એમના અને પત્નીના મૃત્યુ બાદ તેમની પૈતૃક ગામની જમીન પર એક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે. તેમના ઘરને પણ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવે એવું કરૂણાનિધિ ઈચ્છતા હતા. એમણે ચેન્નાઈ ગોપાલપુરમ સ્થિત તેમના નિવાસસ્થાનને વર્ષ ર૦૧૦માં ગરીબો માટે મફત હોસ્પિટલ ખોલવા દાનમાં આપી દીધું હતું. દિવંગત કરૂણાનિધિએ તેમના ૮૬માં જન્મદિને માતાના નામથી સંચાલિત અન્નાઈ અંજુગમ ટ્રસ્ટનું પણ દાન કર્યું હતું. ૧૯૬૮માં પુત્રોના નામે ખરીદેલ આવાસ પણ સ્ટાલિન અને તમિલારસુની સંમતિ બાદ ર૦૦૯માં ટ્રસ્ટના નામે કરી દીધું હતું.