(એજન્સી)
દંતેવાડા (છત્તીસગઢ), તા. ૨
છત્તીસગઢમાં ૧૦ અને ૧૨મી નવેમ્બરે વિધાનસભાની ચૂંંટણીઓ યોજાતા પહેલા રાજ્યના દંતેવાડા જિલ્લામાં ગત ૩૦મી ઓક્ટોબરે માઓવાદીઓ દ્વારા ઓચિંતા કરવામાં આવેલા હુમલામાં ત્રણ પોલીસવાળાઓ સાથે દૂરદર્શનના વીડિયો જર્નાલિસ્ટ અચ્યુતાનંદ સાધુના મોત અંગે શોક વ્યક્ત કરતું એક નિવેદન પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માઓવાદી) દ્વારા જારી કરવામાં આવ્યું છે. માઓવાદીઓએ એવો દાવો કર્યો છે કે પોલીસ પાર્ટી સાથે પત્રકારો હોવાનું તેઓ જાણતા ન હતા. માઓવાદીઓ દ્વારા ૩૧મી ઓક્ટોબરે આ નિવેદન જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં માઓવાદીઓએ એવું પણ જણાવ્યું છે કે ૩૦મી ઓક્ટોબરે પોલીસ પાર્ટી પર ઓચિંતા હુમલો કરવાનું તેઓએ ષડયત્રં ઘડ્યું હતું અને હુમલો કરવા માટે માઓવાદીઓની ટોળકી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસને આવતા જોઇને માઓવાદીઓ દ્વારા ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસની સાથે દૂરદર્શનની એક ટીમ પણ હોવાનું તેઓ જાણતા ન હતા. માઓવાદીઓના સેક્રેટરીએ પોલીસ સાથે પ્રવાસ ટાળવાની પત્રકારોને હાકલ કરી છે. દંતેવાડાના પોલીસ અધીક્ષક અભિષેક પલ્લવે ૩૧મી ઓક્ટોબરે માઓવાદીઓ દ્વારા જારી કરવામાં આવેલું નિવેદન શુક્રવારે ફગાવી દીધું છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે જો માઓવાદીઓ વીડિયો જર્નાલિસ્ટ વિશે જાણતા ન હતા તો, કેમરા શા માટે લૂંટી લેવામાં આવ્યા ? તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે માઓવાદીઓ દ્વારા મીડિયાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા હુમલાની થોડીક મિનિટો પહેલા શું થયું હતું ? તેનો રેકોર્ડ કરવામાં આવેલા પુરાવા છે. તેમણે એવું પણ પૂછ્યું કે શહીદ થયેલા દૂરદર્શનના વીડિયો જર્નાલિસ્ટની ખોપડીમાં ફ્રેક્ચર અને ગોળીઓના ઘણા ઘા કોઇ પણ રીતે સૂચવતા નથી આ ભૂલથી થયું હતું. આ ઘટનાને પગલે સાધુના સાથી મોરમુકુટ શર્મા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર બહાર આવ્યો છે.