(એજન્સી) છત્તીસગઢ, તા.૧૯
છત્તીસગઢના દંતેવાડામાં ગુરુવારે નકસલીઓ અને સુરક્ષા દળ વચ્ચે થયેલ અથડામણમાં સાત નકસલીઓ ઠાર મરાયા છે. પ્રદેશના બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત કાર્યવાહીમાં ૭ નકસલીઓ માર્યા ગયા અને મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. દંતેવાડા એએસપી નકસલ ઓપરેશન જીએન બધેલે આની પુષ્ટિ કરી છે. અહેવાલ અનુસાર માર્યા ગયેલા સાત નકસલીઓમાં ત્રણ મહિલાઓ અને ચાર પુરૂષો સામેલ છે. મૃતક નકસલીઓ પાસે આઈએનએએએસ રાઈફલ, બે થ્રી નોટથ્રી રાઈફલ, એક ૧ર બોટ રાઈફલ અને કેટલાક અન્ય હથિયારો કબજે કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં એક ડઝનથી વધુ નકસલીઓ હોવાની જાણકારી મળી હતી ત્યારબાદ એસટીએ અને સીઆરપીએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષા દળ કંઈક કરે એ પહેલાં જ નકસલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે અગાઉથી જ તૈયાર જવાનોએ અથડામણમાં ૩ મહિલા સહિત ૭ નકસલીઓને ઠાર કર્યા હતા.