(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.રપ
અમદાવાદ અને સુરતમાં બીઆરટીએસ બસો દ્વારા અકસ્માતના વધતા જતા કિસ્સા અને તેમાં પણ તાજેતરમાં ટૂંકા સમયગાળામાં જ પાંચ-પાંચ વ્યકિતઓના મોત નિપજવાના બનાવે રાજયભરમાં રોષની લાગણી ફેલાતા સરકાર દ્વારા બેઠકોનો દોર આરંભી નિર્ણયો લેવાઈ રહ્યા છે. અકસ્માતોને પગલે સફાળી જાગેલી સરકારમાં આજે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં અમદાવાદ-સુરત અકસ્માત-ટ્રાફિક નિવારણ માટે કમિટીની રચના કરવા, સ્પીડ બ્રેકરો મુકવા, બીઆરટીએસ કોરિડોરના સીસીટીવી વધુ સજજ બનાવવા સહિતના નિર્ણયો લેવાયા હતા. તો આ સાથે બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહન ઘૂસે તો કડક દંડનીય કાર્યવાહી કરવાનું પણ ઠરાવાયું છે.
આજે ગાંધીનગર ખાતે અમદાવાદ શહેરમાં થતા અકસ્માતો તથા ટ્રાફિક નિયમન માટે પોલીસ તથા વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. બેઠક બાદ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક-નિયમન માટે અમદાવાદ પોલીસ કમિશનરના અધ્યક્ષે તથા મ્યુનિસિપલ કમિશનરના ઉપાધ્યક્ષ પદે કમિટીની રચના કરાશે. જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, સિટી એન્જિનિયર, જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) સભ્યો તરીકે રહેશે. આ કમિટી દર ૧પ દિવસે મળશે અને તે મુજબની કામગીરી કરશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે અને બીઆરટીએસ દ્વારા અકસ્માત ન થાય તે માટે પૂરતું ધ્યાન કેન્દ્રીત કરાશે. બીઆરટીએસ ટ્રેક પર ખાનગી વાહનો જે ઘૂસી જાય છે એ સંદર્ભે પણ કોગ્નીઝેબલ ગુનો ગણીને દંડનીય કાર્યવાહી કરાશે અને ધરપકડ પણ કરવામાં આવશે. બીઆરટીએસના ખાનગી સંચાલકો દ્વારા વર્કલોડના કારણે ડ્રાઈવરોને નિશ્ચિત સમયમાં પહોંચવાનું હોય છે જેના કારણે ગતિ વધુ હોય છે. તેમ છતાંય બસોની ગતિ મર્યાદા બાંધી દેવાઈ છે તેનો સુરતમાં પણ આગામી સમયમાં અમલ કરાશે.
અમદાવાદ શહેરની બીઆરટીએસનો સમગ્ર કોરિડોર સીસીટીવીથી સુસજજ છે જ પરંતુ નબળી લેન્ડવીથના કારણે તેના વીડિયો ગુણવત્તાલથી મળતા નથી. આ માટે પણ સત્વરે કામગીરી કરાશે અને સમગ્ર કોરિડોરને ઉચ્ચપ્રકારની સુવિધાથી સજજ કરી દેવાશે. બીઆરટીએસના સમગ્ર માર્ગ પર જયાં જરૂર હશે ત્યાં સ્પીડ બ્રેકર મુકવા માટેની પણ વિચારણા કરાઈ છે.