(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
વડોદરા શહેરના કોર્પોરેશનના આરોગ્ય તંત્રની નિષ્કાળજી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા નિષ્ફળ નિવડેલા તંત્ર પાપે શહેરની નિદોર્ષ પ્રજા તેનો ભોગ બની રહી છે અને જીવલેણ ડેન્ગ્યુ જેવા રોગચાળામાં સાપડતા દર્દીઓ મોત ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. છેલ્લાં બે દિવસમાં પાંચ જેટલી વ્યક્તિ અકાળે મોત ખપ્પરમાં હોઇ ચૂકી છે. ખાસ સેવા સદનનું આરોગ્ય અને વહીવટી તંત્ર અને શાસક પક્ષના સુકાન સંભાળી રહેતા નગર સેવકો લઠ્ઠાકાંડ જેવો માસ કેઝયુલિટીની રાહ જોઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
જો સેવા સદનના સત્તાધીશોને તેમના લાભ કરતાં કામગીરીમાંથી ફુરસદ મળતી હોય તો શહેરની સરકારી કારેલીબાગ ખાતે આવેલ ચેપી રોગના દવાખાને તેમજ સયાજી હોસ્પિટલ થતાં જમનાબાઇ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં લટાર મારીને આવે તો ખબર પડે તો શહેરના નગરજનો કેવા ઘેટા-બકરાની જેમ સારવાર માટે કેટલી પડાપડી થાય છે તે ખબર પડે તેમ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં હાલ ગંદકી તેમજ સ્વચ્છતાના અભાવે ચારેય બાજુએ જીવલેણ રોગ ફેલાવતા ડેન્ગ્યુ તેમજ ઝેરી મેલેરિયા ફેલાવતા મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થઇ રહ્યો છે અને આ મચ્છરોએ નગરવાસીઓ ઉપર આક્રમણ શરૂ કરી દીધી છે જેના પરિણામે ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પ્રાણીજન્ય રોગોચાળામાં સપડાઇ રહેલા નિદોર્ષ દર્દીઓથી સરકારી, અર્ધ સરકારી, ખાનગી તેમજ ટ્રસ્ટની હોસ્પિટલો ઉભરાવવા લાગી છે. સયાજી હોસ્પિટલ તો શહેરની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાં તેમાં આવેલા મેડિસીનના યુનિટો રોગચાળાને લીધે હાઉસફુલ થઇ ગયા છે અને દર્દીઓને પલંગો તેમજ જગ્યાના અભાવે ન છૂટકે નીચેના ફલોર અર્થાત જમીન પર પથારી પાથરીને સુવડાવવામાં આવી રહ્યા છે અને તેઓની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આવી સ્થિતિમાં દર્દીઓની હાલત દયનીય બની રહી છે. બીજી તરફ તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ પર રાઉન્ધ કલોઝ આવા દર્દીઓને સારવાર આપી રહ્યા છે. આવી સ્થિતિ જમનાબાઇ તેમજ ચેપીરોગની હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે.