ભરૂચ, તા.૨૮
ભરૂચ લાયન્સ કલબ હોલ ખાતે ખેડૂત હિતરક્ષકદળની કારોબારી મીટિંગ મળી હતી. જેમાં ભરૂચ જિલ્લામાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિથી અને સરકાર દ્વારા છાશવારે બહાર પાડવામાં આવતાં જાહેરનામાઓથી પોતાની જમીન ઉપર ઉદભવનારી સમસ્યાઓની ચર્ચા-વિચારણા અને આવનાર દિવસોમાં સમગ્ર જિલ્લાના ખેડૂતોને એકત્રીત કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું નક્કી થતા તા.૧૮ જૂનથી જિલ્લાના દરેક ગામનો પ્રવાસ ખેડૂત હિતરક્ષક દળ દ્વારા કરવામાં આવશે અને દરેક ગામે ગામસભા બોલાવી ગામસભામાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિની ઝાટકણી કરવામાં આવતી પ્રતિક્ષા લેવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં પીસીપી આઈઆર., બૌડા, બુલેટ ટ્રેન (હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ) એક્ષપ્રેસ-વે અને ગોલ્ડન કોરીડોર જેવી યોજનાઓના જાહેરનામા દ્વારા ખેડૂતોની ખેતીની જમીન ઝુંટવી લેવાનો ભાજપ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેનો ખેડૂત હિત રક્ષક દળના માધ્યમથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ખાસ જમીન સંપાદન અધિકારી નવી કલેકટર કચેરી, ભરૂચ દ્વારા જમીન સંપાદન અંગેની નોટિસો પાઠવવામાં આવેલ છે. જેમાં કેટલાક ગામોમાં મૂળ અસરગ્રસ્ત જમીન માલિક ખેડૂત સુધી નોટિસો પહોંચી નથી તેમજ સદર નોટિસમાં જે કાયદાની વાત કરવામાં આવી છે તે જમીનની સંપાદન પુનઃસ્થાપન અંગે જમીન પુનઃવસનમાં વ્યાજબી વળતર અને પારદર્શિતા અધિકાર અધિનિયમ-ર૦૧૩ હેઠળ જમીનની જરૂરિયાત હોવાની જાણ કરી છે, તેમાં સંપૂર્ણપણે સદર કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કારણ કે સદર પ્રોજેક્ટ માટેની જમીન સંપાદનની પ્રક્રિયામાં સરકાર અને સરકારી અધિકારીઓની અસ્પષ્ટ નીતિ છે. જ્યારે કાયદામાં સંપૂર્ણ પારદર્શિતા અને વ્યાજબી વળતરની વાત હોય ત્યારે ખેડૂતોને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. જમીન સંપાદન અધિનિયમ-ર૦૧૩ નેશનલ રીહેબીલેશન અને રીસેટલમેન્ટ પોલિસીની જોગવાઈઓ હોય તેવા પ્રકારની કોઈ કાર્યવાહી જાહેરાનામું બહાર પાડતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. સમગ્ર પ્રક્રિયા કાયદા વિરૂદ્ધ કરવામાં આવી રહી છે. જમીન સંપાદન પુનઃવસનમાં વળતર અને પારદર્શકતા જરૂરી છે.
જ્યારે બીજી તરફ પીસીપીઆઈઆરની નગર યોજના અધિકારી દ્વારા મોજેઃ અટાલી, તા. વાગરાના ખેડૂતોને મનસ્વી રીતે નોટિસો ફટકારતા અટાલી ગામના ખેડૂતો દ્વારા સામૂહિક રીતે નગર રચના યોજના અધિકારીની ઓફિસે પહોંચી જવાબો રજૂ કરી પોતાની માલિકીની જમીનમાં સંમતિ વિનાની પ્રક્રિયા બંધ કરી સદર યોજનામાંથી જમીન મુક્ત કરવાની વાત કરી હોય અને સદર યોજના સામે હાઈકોર્ટ “સ્ટે”નો હુકમ હોય, તેમ છતાં નગર રચના અધિકારી પોતાને સરમુખત્યાર શાસનના ઉચ્ચવડા સમજતા હોય એમ ખેડૂતોને લેખિતમાં જવાબ આપે છે. હું કાયદાથી નિયુક્ત કરેલ થયેલ છું. તમારી જમીનને મુક્ત કરવા “ઉપર” રજૂઆત કરો એટલે સરકાર અને સરકારનું ખેડૂતો સાથેનું સરમુખત્યાર વર્તન ખેડૂતોને સરકાર અને સરકારી અધિકારીઓ સામે આક્રોષિત કરવાનું કામ કરે છે. હવે “ઉપર” એટલે ખેડૂતોએ તો બસ હવે “ભગવાન”ને જ રજૂઆત કરવાની રહી. આમ, હાલની ભાજપ સરકારની બુરી નજર ભરૂચ જિલ્લાના ખેડૂતોની ખેતીની જમીન ઉપર પડી છે. જે વિવિધ જાહેર જાહેરનામા છાશવારે જાહેર પાડી જમીન આંચકી લેવા માટે વિચિત્ર એવા અધિકારીઓની નિમણૂક કરી ખેડૂતોને માનસિક ત્રાસ આપી રહેલ છે. જેની સામે ખેડૂત હિતરક્ષક દળની આજની કારોબારી મીટિંગમાં ખેડૂત વિરોધી ભાજપ સરકાર સામે પ્રતિકાર કરવા અને આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનું નક્કી થતાં ૧૮મી જૂનથી દરેક ગામડાઓમાં ગ્રામસભા બોલાવી સરકારની ખેડૂત વિરોધી અને સરકારી અધિકારીઓની ખેડૂત સાથેની અસ્પષ્ટ નીતિથી અવગત કરાવી સરકાર વિરૂદ્ધ પોતાના અધિકાર માટે લડવાની પ્રતિજ્ઞા લેવાનું નક્કી કરવામાં આવ્યું.
ખેડૂતોની જમીન ઉપર ઉદ્ભવનારી સમસ્યા અંગે ખેડૂત હિતરક્ષક દળ ૧૮ જૂનથી જિલ્લાના દરેક ગામનો પ્રવાસ કરશે

Recent Comments