(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને વોટર ડીસેલીનેશન પ્લાન્ટ ધરાવતી મોબાઇલ વાનની અનોખી ભેટ આપી છે. તે અંગે મોદીએ નેતાન્યાહુનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણ વિસ્તાર સુઇગામને મળેલ આ અનોખી ભેટનું બાવળા ખાતેના કાર્યક્રમના સ્થળેથી વીડિયો કોન્ફરન્સથી બન્ને મહાનુભાવોએ બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કર્યું હતું. આ વાનની વિશેષતા એ છે કે, દરિયાનું ખારૂ પાણી પ્રતિદિન ૨૦,૦૦૦ લીટર અને તળાવ કે ભરાયેલુ કે નદીમાં વહેતા અશુદ્ધ ૮૦,૦૦૦ લીટર પાણીને પ્રતિદિન શુધ્ધ કરે છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ઇઝરાયલની વર્ષ-૨૦૧૭માં મુલાકાત લીધી હતી ત્યારે ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ આ વાન ચલાવીને ઓલગા બીચની સફર કરી હતી. તેમજ મોદીએ આ વાન દ્વારા પ્રોસેસીંગ કરીને શુદ્ધ થયેલા પાણીનો ટેસ્ટ પણ કર્યો હતો. નેતાન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે વડાપ્રધાન મોદીને આ વાન ગીફ્ટ કરી છે. આ ગીફ્ટને વડાપ્રધાન મોદી દ્વારા સુઇગામ વિસ્તારમાં બોર્ડરના બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી હતી.

ભાજપના નેતાઓ મોદીનો કાર્યક્રમ છોડી ચાલતા થયા

બનાસકાંઠાના સુઈગામમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના નેતાઓએ અધવચ્ચેથી જ ચાલતી પકડી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવાની પણ તસ્દી લીધી નહોતી. સિંચાઈ પ્રધાન પરબત પટેલ, ભૂતપૂર્વ પ્રધાન શંકર ચૌધરી તેમજ કાંકરેજ અને ડીસાના ધારાસભ્યો સહિતના ભાજપના અગ્રણીઓ કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા મંચ પર માત્ર કલેકટર જ દેખાયા હતા. બીજી તરફ કાર્યક્રમમાં ખુરશીઓ ૫ણ ખાલી રહી ગઇ હતી. શ્રોત્તા તરીકે શાળાના વિદ્યાર્થીઓને બોલાવીને ખુરશીમાં બેસાડી દેવામાં આવ્યા હતાં. સામાન્ય રીતે વડાપ્રધાન તો ઠીક ઝ્રસ્ આવે ત્યારે ૫ણ આગળ-પાછળ આંટા મારતા નેતાઓ માટે સરકારી કાર્યક્રમોની કિંમત કેટલી હોય છે ? તે આ બનાવ ૫રથી સ્પષ્ટ થાય છે.