(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપતિ સાથેના કાર્યક્રમમાં હાજર રહેવા ઉપરાંત ભાજપની ગૌરવ યાત્રાના પ્રસ્થાન વખતે પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ માંગરોળમાં માછીમારો માટે કેટલીક વિશેષ જાહેરાતો પણ કરી હતી. જેમાં માછીમારો પાડોશી દેશમાં બંધક જાય તથા દરિયાઈ તોફાનોમાં મૃત્યુ પામે તો તેઓના પરિવારોને રૂા.૪ લાખની સહાય આપવાની જાહેરાત મુખ્ય હતી.
માંગરોળમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માછીમારો માટે મહત્ત્વની જાહેરાતો કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા દરિયામાં તોફાનમાં મૃત્યુ પામનારા માછીમારોના પરિવારને ૪ લાખની સહાય અપાશે. તેમણે વિકાસ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. માંગરોળમાં રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે ફિશરીઝ હાર્બરનું ખાતમુર્હૂત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગુજરાત સાથેની પોતાની મીઠી યાદો વાગોળી હતી તથા ગુજરાત સાથે મને ખાસ લગાવ છે તેવું જણાવ્યું હતું. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો કોઈ કારણસર અન્ય પાડોશી દેશોમાં બંધક બની જાય તો આવા પરિવારોને રાજ્ય સરકાર સહાય કરશે. હવેથી સાત-સાત વર્ષ રાહ જોવાને બદલે એક વર્ષ બાદ જ રાજ્ય સરકારની સહાય મળવાની શરૂઆત થઈ જશે. આ ઉપરાંત દરિયાઈ તોફાનોમાં મૃત્યુ પામનાર કે લાપતા, ગુમ થનાર માછીમારોના પરિવારોને પણ રાજ્ય સરકારના ૪ લાખ રૂપિયાની સહાય કરશે.
મુખ્યમંત્રીએ માંગરોળની ધરતી માટે રૂા.૧૧૭૩ કરોડના વિકાસ કાર્યોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેમાં રૂા.ર૯૪ કરોડના ખર્ચે નવા બંદર ફિશિંગ હાર્બર જેમાં યુરોપિયન યુનિયનના ધારાધોરણો અનુસાર તમામ આધુનિક સુવિધાઓ અને ૧૦૦૦ બોટને સમાવી લેવાની ક્ષમતા હશે. રૂા.૮૮૦ કરોડના ખર્ચે માઢવાડ, પોરબંદર ફેઝ-ર, વેરાવળ ફેઝ-ર અને સૂત્રાપાડા ખાતે ફિશિંગ હાર્બર બનશે જેમાં સૂત્રાપાડામાં ૧ર૦૦ બોટને ધ્યાનમાં રાખી બનાવાશે. વેરાવળમાં ૪પ૦૦ બોટ લાંગરી શકે તે રીતે વિકાસ કરાશે. જ્યારે પોરબંદરમાં હાર્બરના વિસ્તરણના બીજા તબક્કામાં ૪પ૦૦ બોટને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઈન કરાશે તેમ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.