અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમા આવેલા દરીયાપુર કડીયાનાકાના લોધાવાડ ખાતે લાડુશાપીરની દરગાહ પાસે રવીવારે રાત્રે આયોજિત કરવામા આવેલા એક ધાર્મિક પ્રસંગે આવેલા લોકોને પીરસવામા આવેલો દુધપાક પીધા બાદ લોકોને ઉલટી સહિતની ફરીયાદો ઉઠવા પામતા અસરગ્રસ્તોને સીવીલ તેમજ વી.એસ.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતતા.જ્યાં તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર,શહેરના દરીયાપુર વિસ્તારમાં આવેલા લોધાવાડ ખાતે ગતરાત્રીએ એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામા આવ્યુ હતુ.આ કાર્યક્રમ બાદ આયોજકો દ્વારા આમંત્રિત લોકોને પ્રસાદરૂપે ભોજન આપવામા આવ્યુ હતુ.બાદમાં દુધપાક વધતા આ વિસ્તારમાં આસપાસમા રહેતા લોકોને પણ આપવામા આવતા દુધપાક પીધા બાદ અસંખ્ય લોકોને ઉલટી થવાની અને પેટમા દુખાવો થવા અંગેની ફરિયાદ કરતા તેઓ પૈકી કેટલાક લોકોને અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ તો કેટલાકને શહેરની વી.એસ.હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.રાત્રીની સુમારે બનેલી આ ઘટનાને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.આ મામલે દરીયાપુર પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આ ઘટના મામલે પોલીસ દ્વારા જાણવાજોગ ફરિયાદ નોંધવામા આવી છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ઈન્સપેકટર રાકેેશ ગામીતનો સંપર્ક કરવામા આવતા તેમણે કહ્યુ કે, વિભાગ દ્વારા રાત્રે જ દુધપાક અને અન્ય સામગ્રીના સેમ્પલ લઈને તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા છે.વી.એસ.હોસ્પિટલના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર,આજે જે દર્દીઓની સ્થિતિ સારી જોવા મળી હતી તે તમામને રજા આપી ઘરે મોકલવામા આવ્યા છે.બીજી તરફ આ ઘટનાને પગલે આજે બપોરે કોંગ્રેસના કોર્પોરેટર વીએસની મુલાકાતે પહોંચ્યા હતા.