અમદાવાદ, તા.૭
ગુજરાતમાં ચૂંટણીનો ડંકો વાગી રહ્યો છે ત્યારે આ વખતની ચૂંટણી મતોના વિભાજનના આધારે થશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. તેવા ટાણે શનિવારે સવારે અમદાવાદના દરિયાપુરમાં તંબુ ચોકીની પાછળના ભાગેથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બનાવને પગલે સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને બોમ્બ વિરોધી દળ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે સવારે દરિયાપુર પોલીસ સ્ટેશનની તંબુ ચોકીની પાછળના ભાગે સવારે સફાઈ કરવા આવેલા કામદારની કચરાપેટીમાં પડેલા તમાકુઓના ડબ્બાઓ ઉપર નજર પડી હતી. તેણે ધ્યાનથી જોતાં તેને કંઈ અજુગતું હોવાનું લાગતાં તેણે પોલીસને જાણ કરી હતી. ત્યારે દરિયાપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમજ સ્થળ ઉપર દોડી આવેલા બોમ્બ વિરોધી દળે બોમ્બની તપાસ કરતા ૧પ જેટલા બોમ્બમાંથી કાચના ટુકડા, ખીલીઓ તથા સ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો. બોમ્બ કેટલા ઘાતક છે. તેની એફએસએલ તપાસ બાદ જ જાણવા મળશે. જો કે ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવ્યા હોય ત્યારે શહેરના દરિયાપુર વિસ્તારમાંથી ૧પ જેટલા બોમ્બ મળવાની ઘટનાને પગલે સમગ્ર અમદાવાદમાં ભયનો માહોલ જ ખડો થાય. અત્રે નોંધનીય છે કે બોમ્બ મળવાની ઘટનાને પગલે દરિયાપુર વિસ્તારમાં પોલીસના ધાડેધાડાં ઊતારી દેવામાં આવ્યાં હતાં. જોકે કચરા પેટીમાં બોમ્બ ક્યાંથી આવ્યા ? કોણ બોમ્બ મૂકી ગયું ? તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીમાં મતોનું વિભાજન કરવા માટે જ કંઈક નવા જૂની થવાનો લોકોને ભય સતાવી રહ્યો છે ત્યારે બોમ્બ મળવાની ઘટનાએ શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ તો નથી ને??
રાજકીય લાભ ખાટવા દરિયાપુરમાં
બોમ્બ મૂકાયા હોવાની ચર્ચા
અમદાવાદ, તા.૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં બોમ્બ મળવાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી દરિયાપુરમાં રથયાત્રા અને મહોર્રમમાં જે રીતે કોમી એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે તેને જોઈને કેટલાક કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું હોવાથી તેમજ રાજકીય લાભ લેવા માટે બોમ્બ મૂકાયા હોવાની ઘટના ઘટી હોય તેવી લોકચર્ચાઓ વેગવંતી બની છે ત્યારે પ્રજાએ પણ આવા ભાંગફોડિયા અને તકવાદી તત્ત્વોને સમજીને કોમી એકતા અને શાંતિ ડહોળવાના પ્રયાસો કરનારાને જાકારો આપવો જ જોઈએ તેવું લોકમૂખે ચર્ચાઈ રહ્યું છે. જો કે, અગાઉ રથયાત્રા અને ચૂંટણી પહેલાં બોમ્બ મળવાના, તોફાનો થવા અને એન્કાઉન્ટરની ઘટનાઓ ઘટતી હતી. જેના કારણે તેની સીધી અસર ચૂંટણીના પરિણામો ઉપર થતી હતી.