(એજન્સી) દાર્જીલિંગ, તા.૮
અલગ રાજ્યની માગણીના સમર્થનમાં બંગાળના દાર્જીલિંગમાં પુનઃ એકવાર હિંસા ભડકી ઉઠતાં ગોરખાલેન્ડ સમર્થકનું મૃત્યુ થયું હતું. ગુરખા મુક્તિ મોરચાએ દાવો કર્યો છે કે તશી ભૂટિયા મેડિકલ સ્ટોરથી પરત ફરી રહ્યો હતો ત્યારે પોલીસે તેની હત્યા કરી હતી. ભૂટિયા ફ્રન્ટનો કાર્યકર હોવાનો દાવો કરાયો છે. જે મેડિકલ સ્ટોર્સ પરથી પરત ફરતાં પોલીસ ગોળીબારનો ભોગ બન્યો હતો. બંધ સમર્થક સોનાદામાં ધરણા કરી રહ્યા હતા ત્યારે પોલીસ ટીમ નાકાબંધી સમાપ્ત કરવા પહોંચી હતી. તે સમયે ત્યાં ઝડપ થઈ હતી. પોલીસે લાઠીચાર્જ કર્યા હતા. પોલીસ ગોળીબારનો ઈન્કાર કર્યો હતો. પ્રદર્શનકર્તાઓએ ટોય ટ્રેનને ફૂંકી મારી હતી. સોનાદા પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ કરી હતી. હિંસા ફેલાતા પુનઃ સેના તૈનાત કરાઈ હતી. પ્રદર્શનકર્તાઓએ દાર્જીલિંગ અને ધૂમ ટોય ટ્રેન સ્ટેશનો પર પણ તોડફોડ કરી હતી. મૃતકના પરિવારે પોલીસ સામે ફરિયાદ દાખલ કરી છે. શુક્રવારે રાતની ઘટના બાદ શનિવારે સવારે સેંકડો લોકોએ ભેગા મળી વિરોધ કર્યો. શબ હજુ પરિવારને સોંપ્યો નથી. ક્ષેત્રમાં તંગદિલી યથાવત છે.