(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
પાલિકાના આરોગ્ય વિભાગે ફરીથી હલકી ગુણવત્તાનું પાણી વેચનારા આરઓ અને પેકેજિંગ પ્લાટન્સ્‌ પર દરોડા શરુ કર્યા છે. બીઆઇએસ સર્ટી તેમજ ફુડ્‌સ વિભાગના લાયસન્સ વિના ધમધમતા પ્લાન્ટ્‌સ પર આજે સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી અઠવા ઝોનમાં એક અને લિંબાયત ઝોનમાં બે પ્લાન્ટ્‌સ બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ઝોન વિસ્તારોમાં પણ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું ફુડ ઇન્સપેક્ટર સાળુકેએ જણાવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ પણ શહેરભરમાં પાણીના આરઓ પ્લાન્ટ્‌સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. લાયસન્સ વિના ધમધમતા અનેક આરઓ પ્લાન્ટ્‌સ બંધ કરાવાયા હતા અને ઘણાને નોટીસ ફટકારવામાં આવી હતી. તો આજે પાણીના પ્લાન્ટ્‌સ ઉપરાંત પેકેજિંગ સંસ્થાઓ પર પાલિકા દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી લિંબાયત, કતારગામ, રાંદેર અને અઠવા ઝોનમાં પાણીના પેકેજિંગ પ્લાન્ટ્‌સ પર દરોડા શરુ કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગને એવી વ્યાપક ફરિયાદ મળી હતી કે ગુણવત્તાના મહત્વના પ્રમાણપત્ર બીઆઇએસ સર્ટી અને ફુડ્‌ઝ એન્ડ ડ્રગ્ઝ વિભાગના લાયસન્સ વિના જ શહેરમાં અનેક સંસ્થાઓ પાણીનો વેપલો કરી રહી છે. ગુપ્ત રીતે તપાસ કરતા પણ આ વિગતોને સમર્થન મળ્યું હતું કે શહેરમાં ઘણી સંસ્થાઓમાં વેચાતુ પેકેજ્ડ ટ્રિકિંગ વોટર ગુણવત્તા પણ ખરુ ઉતરતું નથી અને કેટલીક વખત પીવાલાયાક પણ ન હોવાની શંકા ઉઠી હતી. જેથી આરોગ્ય વિભાગે પુરી તૈયારી સાથે આ દરોડાનું આયોજન કર્યું હતું. આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ અઠવા ઝોન ખાતે અનેક સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હું. જે પૈકી એક સંસ્થામાં બીઆરટીએસ સર્ટી. અને ફુડ્‌ઝ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ મળી આવ્યા ન હતા. જેથી આ સંસ્થાને બંધ કરાવવામાં આવી છે. આ જ પ્રકારે લિંબાયત ઝોનમાં પણ બે સંસ્થાઓ બંધ કરાવી દેવામાં આવી છે. જ્યારે તમામ ચારેય ઝોનમાં દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે.