(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૬
શહેરની કેટલીક દુકાનમાં ડુપ્લીકેટ એપલ કંપનીનો માલસામાન વેચવામાં આવે છે એવી મળેલી બાતમીને આધારે એપલ કંપનીનાં અધિકારીઓની ફરિયાદને આધારે પોલીસે ચાર વેપારીઓને ત્યાં દુકાનમાં દરોડા પાડી રૂા.૨.૨૭ લાખનો ડુપ્લીકેટ કંપનીનો માલસામાન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર એપલ કંપનીની કોઇપણ જાતની એજન્સી કે પરમીશન લીધા વગર શહેરનાં કેટલાક વેપારીઓ એપલ કંપનીનાં નામે ચાઇનીઝ એસેસરીઝ વેચવામાં આવે છે. જેનાથી કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે એવી મળેલી બાતમીને આધારે એપલ કંપનીનાં કર્મચારીઓએ ગોત્રી પોલીસને ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે આજે સનફાર્મા રોડ પર આવેલ પ્રાગ્ટય એપાર્ટમેન્ટમાં રહેતાં રવિ રમેશભાઇ અડવાણીની અલકાપુરી વિસ્તારમાં બીપીસી રોડ પર આવેલ કશ્યપ કોમ્પલેક્સમાં આવેલ મોબાઇલની દુકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી ૭૧ હજારનો ડુપ્લીકેટ સામાન ઝડપી પાડયો હતો. જ્યારે અલકાપુરી વિસ્તારનાં વિન્ડસર પ્લાઝામાં દુકાન ધરાવતા દિલીપ ગોહિલભાઇ મખીજાની (રહે. રાધેશ્યામ સોસાયટી, વારસીયા રીંગ રોડ)ની દુકાનમાંથી રૂા.૮૭,૫૫૦ નો તેમજ આજ પ્લાઝામાં દુકાન ધરાવતા મિતેશ મહેશભાઇ માણેક (રહે. લોઅરસીંધ સોસાયટી, વારસીયા) તથા વિજય બુધારામ આશવાણી (રહે. સંતકવર કોલોની, વારસીયા)ની દુકાનમાં પણ દરોડા પાડી રૂા.૪૭,૯૯૦ નો ડુપ્લીકેટ સરસામાન ઝડપી પાડયો હતો. ગોત્રી પોલીસે દિવાળીપુરા રંગ અવધુત સોસાયટીમાં રહેતાં કરણ અંબાલાલ પરમારની આર.સી.દત્ત રોડ પર આવેલ શ્રીરામ ચેમ્બર્સમાં મોબાઇલની દુકાનમાંથી રૂા.૧૯,૮૫૦ નો સરસામાન ઝડપી પાડી આ તમામ વેપારીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.