ત્રિનિદાદ,તા.૧૩
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથે મતભેદોને કારણે ક્રિકેટને અલવિદા કહેનાર ઓલરાઉન્ડર ખેલાડી ડ્‌વેન બ્રાવોએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની ઘોષણા કરી હતી. બ્રાવોએ કહ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડની સત્તામાં પરિવર્તનનાં કારણે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. ટીમનાં પૂર્વ મેનેજર રિકી સ્ક્રેરિટે હવે ડેવ કેમેરોનની જગ્યાએ બોર્ડનાં નવા અધ્યક્ષ બન્યા છે.
બ્રાવોએ એક નિવેદનમાં કહ્યું કે, આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની ઘોષણા કરું છું. વહીવટી સ્તરે બોર્ડમાં ફેરફાર થયા પછી મેં આ નિર્ણય લીધો છે. હું થોડા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો અને સકારાત્મક ફેરફારોએ મારા નિર્ણયને મજબૂત બનાવ્યો છે.” આપને જણાવી દઇએ કે, બ્રાવોની કેમેરોન સાથે લડાઈ થઇ હતી, જેના પર તેણે કારકિર્દીને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ૨૦૧૪ માં બન્યું હતું જ્યારે બોર્ડ સાથે ચુકવણીનાં વિવાદનાં કારણે બ્રાવોની આગેવાનીવાળી વેસ્ટ ઇન્ડીઝની ટીમે અધ વચ્ચેથી ભારતનો પ્રવાસ છોડી દીધો હતો.
બ્રાવો વેસ્ટ ઇન્ડીઝ તરફથી ૪૦ ટેસ્ટ, ૧૬૪ વનડે અને ૬૬ ટી ૨૦ મેચ રમી ચુક્યો છે. તે આઈપીએલમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી પણ રમે છે. આ સિવાય બ્રાવોએ પીએસએલ, બિગ બેશ લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ, કેનેડા લીગ અને અબુધાબી ટી ૧૦ લીગ પણ રમી છે.