(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
સુપરફાસ્ટ ટ્રેનોમાં વધી રહેલા ચોરીનાં બનાવને પગલે ચોરોને પકડવા પેટ્રોલિંગ કરી રહેલી રેલ્વે પોલીસે દારૂનાં જથ્થાની હેરાફેરી કરી રહેલા નિવૃત્ત લશ્કરી જવાન સહિત બે જણાંની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, સુપરફાસ્ટ ટ્રેનોમાં વહેલી સવારે મહિલાઓનાં પર્સ સહિતની ચોરીનાં બનાવો વધતા ચોર ટોળકી રેલવે ડી-કેબિન પાસે ટ્રેન ધીમી પડતા પર્સ ચોરી કરી ત્યાંથી ભાગી છૂટતા હોવાની ફરિયાદો મળી હતી. જેના પગલે મહિલા પી.એસ.આઇ. વી.કે. ગરાસીયા અને તેમની ટીમે યાડ ખાતે વોચ ગોઠવી હતી. દરમ્યાન ત્યાં આવી પહોંચેલી કેરેલા સંપર્કક્રાંતિ એકસપ્રેસમાંથી બે શંકાસ્પદ યુવાનો ઉતરતા પોલીસે બંનેને રોકી તેની તપાસ કરતાં બંને પાસેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુછપરછ કરતાં દારૂની હેરાફેરી કરનાર નિવૃત્ત લશ્કરી જવાન શશીભુષણસીંગ નંન્હુસીંગ સીંગ (રહે. એ-૯૬૧, આણંદનગર, હરિયાણા) તેમજ રાકેશ બૈજનાથ શુકલ (રહે. એચકયુ-૪૧, આર.ટી.ડીવ, મહારાષ્ટ્ર, મુળ રહે. બિહાર)ને ઝડપી પાડયો હતો. પોલીસે બંને પાસેથી ૧.૫૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને રેલ્વે પોલીસ મથકે ગુનો નોંધી આ જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા છે અને ક્યાં પહોંચડવાનો હતો તે અંગે તપાસ કરવા રીમાન્ડ મેળવવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.