(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૯
સુરત શહેર અને જિલ્લામાં ધમધમતા દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવા માટે આજે ગાંધીજીની પ્રતિમા પાસે યુવાનો સ્વૈચ્છિક રીતે પ્રતીક ધરણાં શરૂ કર્યા હતા. અને કલેક્ટર તથા પો. કમિશનરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પ્રતીક ઉપવાસ કરનાર અડાજણના સચીન પટેલે જણાવ્યા હતું કે, ગુજરાત રાજ્યમાં નશાબંધી એકટ-૧૯૪૯નો કાયદો અમલમાં હોઈ, જે કાયદાનું અંશત : પાલન કરવામાં આવે છે. ‘પીવાવાળો પકડાય છે અને વેચવાવાળો ખુલ્લે આમ વેચાણ કરે છે’ આમ વહીવટી તંત્ર અને ગુજરાત સરકારના વારંવાર પરિપત્રો દ્વારા કાયદાનો અમલ કરવા માટે વહીવટી તંત્રને જાગૃત કરવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની પાંખ પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓની મીલીભગતને લઈને કાયદો મરણ અવસ્થામાં આવી ગયેલ છે. વેચવાવાળાને મલાઈ, મદદગારી પૂરી પાડવાવાળાને લાલ કાર્પેટ પાથરવામાં આવી રહ્યા છે. જેથી આ સમયે સમાજને સારૂ વાતાવરણ વહીવટી તંત્ર દ્વારા પૂરૂ પાડવામાં આવતું નથી. જેથી સાજમાં રહી સમાજના સેવાના ભાગરૂપ તંત્રને જાગૃત કરવા માટે અને અસામાજિક અને માથાભારે તત્વો દ્વારા સ્કૂલ, કોલેજ અને અન્ય સંસ્થાની નજીક ચાલતા ગાંજાના તેમજ દારૂના વેપાર પર સરકાર કડક કાર્યવાહી કરે. તેવી માગ કરી આજે પ્રતીક ધરણા કર્યા હતા.