મહેસાણા, તા.૧
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર નંદાસણ નજીક આવેલા ચાંદરડાથી રાજપુર જવાના માર્ગે અંબુજા કોલોનીની દિવાલ પાસેના પ્લોટમાં મોટા વાહનોમાં જુદા જુદા માર્કાનો વિદેશી દારૂનો જથ્થો લાવી નાના વાહનોમાં અન્ય સ્થળોએ સગેવગે થઈ રહ્યો છે તેવી મળેલી બાતમીના આધારે ગત મોડી રાતે મહેસાણા એલસીબીના સબ ઈન્સ્પેકટર વાય.જે.રાઠોડ સહિત પોલીસ ટીમે આ જગ્યાએ ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને પોતાની સ્વીફટ ગાડીમાં આરોપીઓ નાસવા લાગ્યા હતા અને તેમણે પોલીસ કર્મીઓને કચડવાનો પ્રયત્ન કર્યો હતો. જે સબ ઈન્સ્પેકટરે સ્વબચાવમાં એક રાઉન્ડ ગોળીબાર કરતા કાર ચાલકને હાથના ભાગે ઈજાઓ થઈ હતી જેથી ગાડી રોકાઈ જતાં પોલીસે ભજનલાલ શ્રીરામ ધુડારામ બીશ્નોઈ, ડામોર લાલાભાઈ પ્રતાપભાઈ તેમજ બંસીલાલ રાયચંદજી બિશ્નોઈને ઝડપી લીધા હતા જ્યારે તેમનો એક સાથીદાર ભાગી ગયો હતો. પોલીસે આ સ્થળેથી દારુનો જથ્થો, સ્વીફટ ગાડી અને ૩ મોબાઈલ મળી કુલ રૂ.૩૭,૯૮,૩૮૦નો મુદ્દામાલ કબજે કરીને આ અંગે નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.