અમદાવાદ,તા. ૧૪
શહેરમાં હવે ગુનેગારો અને અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ડર જ ના રહ્યો હોય તેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ગઇકાલે વાડજ પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલને સરદારનગરના બે બુટલેગરોએ દારૂ પીવા કેમ અમારા ત્યાં આવતો નથી એમ કહી ઝઘડો કરી લાકડી વડે ફટકારતાં સમગ્ર વિસ્તારમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. બુટલેગરોએ એટલી હદે કોન્સ્ટેબલને માર્યો હતો કે, તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. વાડજ પોલીસ મથકના કોન્સ્ટેબલ ઠાકરસિંહ ભીખાભાઇ વાઘેલાએ આરોપી બુટલેગરો કિરણ છારા અને કસાબ છારા વિરૂધ્ધ નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, બોમ્બે હાઉસીંગ પોલીસ લાઇનમાં રહેતા અને વાડજ પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઠાકરસિંહ ભીખાભાઇ વાઘેલાના પત્નીનું વર્ષ ૨૦૦૨માં મૃત્યુ નીપજયુ હતું, ત્યારબાદ તેના આઘાતમાં તેઓ દારૂની લતે ચઢી ગયા હતા. ઠાકરસિંહ પહેલા શહેરકોટડા પોલીસમથકમાં ફરજ બજાવતા હતા અને ત્યારે નરોડા પાટિયા વિસ્તારમાં આવેલ મહાજનિયાવાસમાં રહેતા અને દારૂનો ધંધો કરતાં કિરણ જશવંતસિંહ છારા અને કસાબ છારાના અડ્ડા પર દારૂ પીવા માટે જતા હતા. દરમ્યાન ઠાકરસિંહ વાઘેલાનો મોબાઇલ બગડી જતાં તેમણે નરોડા પોલીસ સ્ટેશનના જીતુ પાટીલને તેમનો મોબાઇલ રીપેર કરવા આપ્યો હતો, જે લેવા વાઘેલા ગઇકાલે નરોડા પાટિયા અંબા માતાના મંદિર પાસે ગયા હતા. જયાં બુટલેગરો કિરણ છારા અને કસાબ છારાએ કોન્સ્ટેબલ ઠાકરસિંહ વાઘેલાને તમે અગાઉ અમારા ત્યાં દારૂ પીવા આવતા હતા અને હવે કેમ દારૂ પીવા આવતા નથી એમ કહી ઝઘડો કર્યો હતો અને તેમાં વાત વણસતાં બંને બુટલેગરોએ કોન્સ્ટેબલને ફટકાર્યો હતો. જેના કારણે કોન્સ્ટેબલ ઝખ્મી થઈ ગયો છે.