જૂનાગઢ, તા.ર૦
ચોરવાડ ગામની સીમમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી એક વાડીની ઓરડીમાંથી રૂા.ર.૬૪ લાખની કિંમતનો વિદેશી બીયર-દારૂનો જથ્થો પકડી પાડેલ છે. આ દારૂનો જથ્થો મંગાવનાર અને ઓરડીના માલિક મળી ન આવતા બંનેને ઝડપવા ગુનો નોંધી વુધ તપાસ હાથ ધરેલ છે.
ગત રાત્રીના ડીજીપીના સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ.એમ. ચાવડાને મળેલ બાતમીના આધારે સ્ટાફના લખમણ મેતા યુસુફખાન શેરખાન, મયુર મેપાએ ચોરવાડ ગામની સીમમાં જરારી વાડી વિસ્તારમાં વિરાભાઈ આણંદભાઈ પરમારની વાડીની ઓરડીમાં તપાસ હાથ ધરતા જુદી-જુદી બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ નંગ-૧ર૪ કિ.રૂા. ર૬,પ૦૦ તથા બીયર ટીન નંગ-ર૩૮૦ કિં.રૂા. ર,૩૮,૦૦૦ મળી કુલ રૂા. ર,૬૪,પ૦૦નો જથ્થો પકડી પાડેલ હતો. આ દારૂનો જથ્થો બુટલેગર નયન ઉર્ફે ટોયો ડાભી (રહે. ચોરવાડવાળા)નો હોવાનું બહાર આવેલ હતું. દરોડા દરમ્યાન બુટલેગર નયન અને વાડી માલિક વિરાભાઈ મળી ન આવતા હોવાથી બંનેને ઝડપવા ગુનો નોંધી ચક્રો ગતિમાન કરેલ છે.