(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત સમગ્ર દેશ જાણે છે. જો કે, દારૂબંધી માત્ર ચોપડે જ હોય, તેવું જણાય છે. રાજ્યની ભાજપ સરકાર કડક કાયદો બનાવી પોલીસ સહિતની એજન્સીઓને કાર્યવાહી કડક બનાવવાના આદેશો જારી કરે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા રાજ્યમાં દારૂ જાણે બેરોકટોક ઉપયોગમાં લેવાતો હોય તેમ જણાઈ આવે છે. રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં રૂા.રપપ કરોડનો દારૂ પકડાયો છે. આ તો પકડાયાની વાત છે, જે નથી પકડાયો ઉપયોગમાં લેવાઈ ગયો છે, તેનો આંકડો આના કરતા ઘણો વધારે એટલે કે, બેથી ચાર ગણો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં દારૂબંધીના અમલ દરમિયાન આ સ્થિતિ છે, તો દારૂબંધી ના હોય તો, તેની કલ્પના જ કરવી રહી.રાજ્યમાં દારૂબંધીની સ્થિતિ અંગે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારના મંત્રીએ આપેલી વિગતો પરથી જ આટલા મોટાપાયે રાજ્યમાં દારૂ બેફામ રીતે વેચાતો અને ઉપયોગમાં લેવાતો હોવાનું બહાર જણાઈ આવે છે. બે વર્ષમાં રૂા.૨૫૪.૮૧ કરોડનો દારૂ ઝડપી લેવાયો છે. જેમાં સૌથી વધુ રૂા.૨૩૨.૧૩ કરોડનો વિદેશી દારૂ અને રૂા.૧૮ કરોડનો બિયર તથા ૩ કરોડથી વધુનો દેશી દારૂ ઝડપાયેલ છે. દેશી દારૂ ૧૫.૪૦ લાખ લિટર ઝડપાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં રૂા.૨૫.૫૩ કરોડનો અને તે પછીના ક્રમે વલસાડ જિલ્લામાં રૂા.૨૪.૯૨ કરોડનો દારૂ ઝડપાયેલ છે, જ્યારે દારૂ અંગેના કેસની દૃષ્ટિએ જોઈએ તો ૧.૬૨ લાખ કેસ નોંધાયા હતા. આ હિસાબે રાજ્યમાં રોજના દેશી દારૂના ૧૮૧ કેસ અને વિદેશી દારૂના રોજના ૪૧ કેસ નોંધાય છે. જેમાં સૌથી વધુ ૧૩,૬૬૧ સુરતમાં નોંધાયા હતા. એટલું જ નહીં વિદેશી દારૂ વેચાણના કેસોમાં પણ સુરત ૬૦૨૮ કેસો સાથે ગુજરાતમાં મોખરે છે. આ ઉપરાંત દારૂના કેસમાં આરોપીઓ પકડવામાં પણ ૨૮,૪૨૦ સાથે અવલ્લ રહ્યું છે. દેશી દારૂ વેચાણના કેસોમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સુરત પછી વડોદરા ૧૭૮૧૭ (દેશી અને વિદેશી દારૂ બંને કેસોમાં) બીજા નંબરે રહ્યું છે. અમદાવાદમાં ૧૦૯૭૮ કેસો, ભરૂચમાં ૧૦૬૭૬ કેસો, પંચમહાલમાં ૬૯૦૦ કેસો નોંધાયા છે. વિદેશી દારૂના વેચાણના કેસોમાં સુરત પછી દાહોદમાં ૨૫૨૫ કેસો, ડાંગમાં ૨૩૯૯ કેસો, નવસારીમાં ૨૨૩૧ કેસો અને પંચમહાલમાં ૧૫૩૧ કેસો નોંધાયા છે. દારૂના કેસોમાં આરોપીઓ પકડવામાં સુરત પછી વડોદરામાં ૧૯૪૪૪, અમદાવાદમાં ૧૩૯૫૬, ભરૂચમાં ૧૧૮૧૪ અને નવસારીમાં ૯૧૭૭ આરોપીઓ પકડાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં ૩૭૦, દાહોદ ૩૦૦, સુરત ૨૮૬ આરોપીઓ મળી રાજ્યભરમાંથી કુલ ૧૧૦પ આરોપીઓ પકડવાના બાકી છે, જે પૈકી ૭૬૨ આરોપીઓ તો એક વર્ષ કરતા વધુ સમયથી પકડવાના બાકી છે.