અમદાવાદ, તા.૯
ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી વચ્ચે દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ દારૂની હેરાફેરી કરતા લોકો પણ દારૂની હેરાફેરી કરવા અવનવા નુસખા અજમાવી રહ્યા છે. રામોલ પોલીસે આવી જ એક નવી તરકીબ સાથે દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી કેટલોક મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. તોસિફ કલાલ અને ઇનાયત જેસડીયા નામના વ્યક્તિની રામોલ પોલીસે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં ધરપકડ કરી છે. રામોલ પોલીસને બાતમી મળી કે કડી તરફથી એક લોડિંગ રિક્ષામાં દારૂ ભરીને સિટીએમ તરફ લઈ જવાય રહ્યો છે. જે આધારે પોલીસે એક ટીમ વોચમાં રાખી અને શકમંદ લોડિંગ રિક્ષાને ઝડપી પાડી હતી. પ્રથમ નજરે લોડિંગ રીક્ષા ખાલી જણાઈ આવતા પોલીસ ખાલી હાથ પરત ફરશે તેમ લાગ્યું પણ જ્યારે લોડિંગ રિક્ષાની બોડી જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે લોડિંગ રીક્ષાની અંદર ચોર ખાના બનાવ્યા છે. જે ખોલીને જોતા અંદરથી ૧૫૧ દારૂની બોટલ મળી આવી હતી. જે બોટલ અને લોડિંગ રીક્ષા સાથે પોલીસે બંનેને ઝડપી કાર્યવાહી કરી હતી તો વધુ તપાસમાં દારૂ રાજસ્થાનથી કડી લાવ્યા બાદ કડીથી અલગ અલગ શહેરમાં મોકલતા હોવાનું ખુલ્યું છે. જેની પણ રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસે છૂપી રીતે લઈ જવાતો દારૂ પહેલી વાર ઝડપયો હોય તેવું નથી આ પહેલા પણ રામોલ પોલીસે ઘરમાં છૂપી રીતે બનાવેલ ભોંયરામાં સંતાડી રાખેલ દારૂ, બોલેરોમાં છતમાં ચોર ખાનું બનાવીને લઈ જવાતો દારૂ, એમ્બ્યુલન્સમાં છૂપી રીતે લઈ જવાતો દારૂ તેમજ બસ અને અન્ય રીતે છૂપી રીતે લઈ જવાતો દારૂ ઝડપી ૨૦૧૮થી હાલ સુધી ૧૨ જેટલા કેસ કરી કાર્યવાહી કરી છે. તે દરેકમાં અલગ-અલગ પેટર્નથી દારૂ છૂપાવીને લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું.