(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૩
વડોદરા જિલ્લાનાં કરજણ નજીક હોટલ સીદબાદ પાસે પાર્ક કરેલી ટ્રકની તલાશી લેતા એલ.સી.બી. પોલીસને રૂા.૪૦ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે ટ્રકનાં ચાલક અને કલીનર તેમજ બુટલેગરની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક કબજે લઇ વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર એલ.સી.બી. ગ્રામ્યનાં પો.સ.ઇ. જે.ડી. સરવૈયાને બાતમી મળી હતી કે, વિદેશ દારૂનો જથ્થો ભરેલી ટ્રક પાલેજથી કરજણ તરફનાં રોડ પર આવેલ સીદબાદ હોટલનાં કંમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવી છે. આ બાતમીને આધારે સ્ટાફ સાથે પો.સ.ઇ. સરવૈયાએ હોટલનાં કંમ્પાઉન્ડમાં પહોંચી જઇ બાતમીવાળી ટ્રકમાં તલાશી કરી હતી. ટ્રકમાં ચાલક કે કલીનર મળી આવ્યા ન હતા. જેથી સોમવારની મોડીરાત્રે પોલીસે બે પંચોનાં માણસોને સાથે રાખી ટ્રકનાં પાછળનાં ફાલકાનાં ભાગે ઉપરથી દોરડાથી બાંધેલી તાડપત્રી ખોલી તપાસ કરતાં ટ્રકમાં પ્લાસ્ટીકની કચરો ભરેલી થેલીઓ તથા જુના ફ્રીજનાં ખોખા અને પેટીઓની આડસની નીચે ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ભરેલો મળી આવ્યો હતો. રૂા.૨૪.૫૨ લાખની કિંમતનો ૫૧૧ નંગ દારૂની પેટીઓનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.૩૯.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને રેડ જોઇને ટ્રક ચાલક અને કિલનર પલાયન થઇ ગયા હોવાની માની રહી છે. આંધ્રપ્રદેશ પાસીંગવાળી આ ટ્રકનાં માલીક તથા ચાલક અને ક્લીનરની તેમજ બુલટેલગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.