(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સચીન જીઆઇડીસી પોલીસે ગભેણી ચોકડી પાસેથી પસાર થતાં કન્ટેનરમાં ટાઇલ્સના પાવડરની ગુણ પાછળ સંતાડેલા વિદેશી દારુનો રૂા.પ.પ૦ લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે કન્ટેનર, ટ્રેલર સહિત રૂા.૧પ.પ૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચીન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે પલસાણા-મગદલ્લા રોડ પરની ગભેણી ચોકડી પાસે વોચ ગોઠવી ટ્રેલર નં. આરજે-૦૧-જીએ-૧૪૩૩ને આંતરી ટ્રેલર પાછળ લાગેલા કન્ટેનરમાં ઝડતી લેતા ટાઈલ્સ પાવડરની ગુણ પાછળ સંતાડેલો વિદેશી દારૂની બોટલો નંગ-૧૫૭૨ (કિંમત રૂ. ૫,૫૦,૨૦૦), બે મોબાઈલ ફોન, કન્ટેનર મળી કુલ્લે રૂપિયા ૧૫,૫૧,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી મદનસિંગ ખુમાનસિંગ રાવત (રાજસ્થાન) ધર્મેન્દ્રસિંગ સેસુસિંગ રાવત (અજમેર) ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપનાર મહેન્દ્ર (અજમેર) દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યા મોબાઈલ ફોન ધારકને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે.