અમદાવાદ, તા.૧૧
કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે…રાજયના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જારી કરાયેલા આંકડા જ દારૂબંધીની ધજિજ્યા ઉડાવતા જણાય છે અને તે જોતાં ગુજરાતમાં દારૂબંધીની કાયદો અને વાતો માત્ર કાગળ પર રહી ગયા હોય એ સ્પષ્ટ થાય છે. સ્ટેટ મોનીટરીંગ સેલના છેલ્લા આઠ મહિનાની પ્રોહીબીશન (દારૂબંધી)ના કેસોની કામગીરી જોઇએ તો, જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીના આઠ મહિનામાં જ રાજયમાં પ્રોહીબીશનના કુલ ૨૧૩ કેસો નોંધાયા છે, જેમાં કુલ મળી રૂ.૬.૩૩ કરોડથી પણ વધુની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ફેબ્રુુઆરીથી ઓગસ્ટ સુધીના છ મહિનાના ગાળામાં જુગારના કુલ ૫૮ કેસો નોંધાયા હતા અને રૂ.૬૧ લાખની રોકડ સહિત કુલ રૂ.૨.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની આંકડાકીય વિગતો જાહેર કરતાં એસએમસીના ડાયરેકટર હસમુખ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ મહિનામાં દારૂના કુલ ૨૧૩ કેસો નોંધાયા હતા, જેમાં ગણનાપાત્ર ૧૫૧ કેસો નોંધાયા હતા.
આ કેસોમાં કુલ રૂ.૬.૩૩ કરોડની કિંમતના દારૂના જથ્થાને પકડવાની સાથે કુલ રૂ.૧૩.૮૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જયારે છેલ્લા છ મહિનામાં કુલ ૫૮ કેસો જુગારના પકડવામાં આવ્યા હતા. જેમાં ગણનાપાત્ર કહી શકાય તેવા ૫૦ કેસો હતા. ઓગસ્ટ મહિનામાં જુગારના પકડાયેલા માત્ર ચાર કેસોમાં રૂ.૧૦.૮૮ લાખની રોકડ સહિત કુલ રૂ.૬૮.૯૦ લાખથી વધુનો સૌથી વધુ મુદ્દામાલ જપ્ત કરાયો હતો. રાજયની પ્રોહીબીશનના અને જુગારના કેસોની આ સ્થિતિ તા.૯-૮-૨૦૧૭ સુધીની છે. જો કે, હજુ પણ દારૂ અને જુગારની બદીને નાથવા રાજય સરકાર અને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ અસરકારક રીતે પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.
દારૂબંધી છતાં બિન્દાસ્ત પીવે ગુજરાત ?? આઠ માસમાં ૬.૩૩ કરોડનો દારૂ જપ્ત

Recent Comments