સુરેન્દ્રનગર, તા.રપ
દેશીદારૂ બનાવવાના વ્યવસાયમાં પણ હવે, આધુનિકતા પ્રવેશી છે. નાનીમોલડી પોલીસ સ્ટેશનના ડોસલીધુના ગામની સીમમાં જનરેટર તથા ઈલેક્ટ્રીક મોટરથી ચાલતી દેશીદારૂ ગાળવાની સ્વયં સંચાલિત ચાલુ ભઠ્ઠી નાની મોલડી પોલીસે ઝડપી પાડી છે. પોલીસની આ કામગીરીની જિલ્લાના પોલીસ બેડામાં પ્રશંસા થઈ રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી પ્રોહી. જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપતા તા.ર૧/૧૦/૧૯ના રોજ ડી.બી. ચૌહાણ પો.સબ.ઈન્સ નાનીમોલડી તથા પોલીસ સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે ડોસલીધુના ગામની સીમ કાનિયાની કરાડવાળા ગાળા તરીકે ઓળખાતી સીમમાં નાળા પાસે આરોપી (૧) નરેન્દ્રભાઈ ઉર્ફે નરિયો રઘુભાઈ ધોરિયા (ર) વેલાભાઈ ઝીંજરિયા (રહે. બંને ગારીડા ગામ તા.જિ. રાજકોટ)ના કબજામાંથી દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે મુદ્દામાલ દેશી દારૂ લીટર ૪૦૦ કિં.રૂા.૮૦૦૦/- તથા આથો લીટર ૪૮૦૦ કિં.રૂા. ૯૬૦૦ તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો બાફણિયા બેરલો એલ્યુમિનિયમની નળીનો માંચડો તથા ડીઝલ એન્જિન સાથેનું જનરેટર, ઈલેક્ટ્રીક વાયર, ઈલેક્ટ્રીક મોટર પંપ સાથેની અડધા હોર્સ પાવરની ભઠ્ઠીની ફુકણી, ઈલેક્ટ્રીક સબમર્શીબલ (ડેડકો) મોટર તથા ગોળના ડબા નંગ. પ૯ મળી કુલ કિં.રૂા. ૮૬,૧પ૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો જે કબજે કરવામાં આવેલ છે. ત્યાંથી ભાગી છૂટેલ આરોપીઓ વિરૂદ્ધ એ.એસ.આઈ. જયેશભાઈ પટેલે ફરિયાદ રિપોર્ટ આપેલ છે. જેના આધારે આરોપીઓ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.