(એજન્સી) તા.૧૪
સોશિયલ મીડિયા પર ફરજ દરમિયાન દારૂની મહેફિલ માણી રહેલા ત્રણ પોલીસકર્મીઓનો વીડિયો વાઇરલ થતા બુધવારે આ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ ત્રણેય પોલીસકર્મીઓ દારૂ પીતા દેખાય છે એવો વીડિયો વાઇરલ થયા બાદ ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે.
તેઓ ફરજ પર દારૂ પીતા હતા. વીડિયોનો સ્ત્રેાત હજુ સુધી જાણવા મળ્યો નથી એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ અગાઉ ઉ.પ્ર.ના ઉન્નાઉ જિલ્લામાં એક ઇવેન્ટ ખાતે ફરજ પરનો એક પોલીસ કોન્સ્ટેબલ નૃત્યાંગનાઓ સાથે નૃત્ય કરતો અને પૈસા ફેંકતો વીડિયો વાઇરલ થયા બાદ આ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ કોન્સ્ટેબલને આ ઇવેન્ટની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો. વીડિયોમાં કોન્સ્ટેબલ ચમકતા વસ્ત્રોમાં નાચગાન કરી રહેલી નૃત્યાંગના સાથે નાચ કરતો જોવા મળે છે. તે ડાન્સરો પર પૈસા ફેંકતો પણ દેખાય છે.
ગઇ સાલ ઉ.પ્ર.નો પીધેલો પોલીસકર્મી ફરજ પર બેફામ નાચતો દેખાતો વીડિયો વાઇરલ થયો હતો. ઉ.પ્ર.માં શ્રવસ્તી ખાતે એક ઇવેન્ટમાં પોલીસ અધિકારી પણ ડાન્સ કરતા ઝડપાયા હતા. પોલીસ અધિકારી ઉ.પ્ર.માં એક ઇવેન્ટ ખાતે વર્દી ધારણ કરી હોવા છતાં નાચતો દેખાય છે. વીડિયોમાં એ પણ દેખાય છે કે પીધેલો એક પોલીસકર્મી મહિલા ડાન્સર સાથે બેશરમ રીતે નાચતો હતો અને આ રીતે પોતાની ફરજની ઉપેક્ષા કરી હતી. તાજેતરમાં ઉ.પ્ર. વિવાદાસ્પદ ઉ.પ્ર.કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઇમ એક્ટ (યુપીસીઓસીએ) ૨૦૧૭ વિધેયક મંજૂર કર્યું છે.