(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૯
સાવલી તાલુકાના ભાદરવા-સાકરદા રોડ પર આવેલ એન.એમ. પટેલ એન્ડ કંપનીનાં બંધ પડેલા ગોડાઉનમાં જિલ્લા એલ.સી.બી.એ આજે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ગોડાઉન બહાર મુકવામાં આવેલ મોંઘીદાટ કારો સાથે ૧૦ બુટલેગરોની ધરપકડ કરી હતી. પોલીસે ૧૪૮ પેટી ઇંગ્લીશ દારૂ અને ૮ કાર મળી રૂા.૩૪.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સાવલીના ભાદરવા-સાકરદા રોડ પર એક બંધ કંપનીનાં ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ જથ્થો કારો દ્વારા વડોદરા શહેર જિલ્લાનાં વિવિધ વિસ્તારમાં પહોંચાડવા માટે કાર લઇને લોકો ભેગા થયા છે. જેને પગલે મળેલી બાતમીને આધારે પોલીસે આજે યોજનાબંધ રીતે ભાદરવા પોલીસના સ્ટાફ સાથે રાખી દરોડો પાડયો હતો. પોલીસની અચાનક રેડને પગલે ઇંગ્લીશ દારૂનો કટીંગ કરી રહેલ બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે પોલીસે ચારેતરફથી ઘેરો ઘાલ્યો હોય, બુટલેગર ભાગવામાં સફળ થયા ન હતા. પોલીસે ગોડાઉનમાંથી ૧૪૮ પેટી દારૂનો જથ્થો તેમજ સ્થળ પરથી ૧૦ જેટલા આરોપીઓ તેમજ ૮ કાર કબ્જે કરી હતી. દારૂનો જથ્થો ૨ કારમાં ભરેલો હતો. જે કારમાંથી અન્ય કારમાં મુકી અલગ અલગ સ્થળે પહોંચાડવાની તૈયારી હતી. પોલીસનાં હાથે ઝડપાયેલામાં વસંત પ્રભુદાસ ચાવડા (રહે.શ્રીવલ્લભ ડુપ્લેકસ, વાઘોડિયા રોડ), અલ્પેશ અમરસીંગ વસાવા (રહે. ચણોઠીયા ગામ, વાઘોડિયા), સુરેશ ગણપત ઠાકોર (રહે. સલવાડીયા ગામ, બાલાશિનોર), મુકેશ બળદેવ શ્રીમાળી (રહે. મહાલક્ષ્મી સોસાયટી, હાલોલ), મયુર શિવરાજ રાજપુત, પ્રદિપ પ્રતાપ બારોટ (બંને રહે. વાઘોડિયા રોડ, વડોદરા), રાજેશ શર્મા (રહે. રત્નમ હાઇટ્‌સ) સહિત ૧૦ જણાંની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો લાવી તેને સગેવગે કરનાર મુખ્ય બુટલેગર સુનિલ જયસ્વાલ (રહે. આજવા રોડ, વડોદરા) અને સંદિપ જયસ્વાલ (રહે. ઇન્દ્રાડ ગામ, તા.સાવલી)નું નામ ખુલતા પોલીસે બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દારૂનો જથ્થો, ૮ કાર, ૧૪ મોબાઇલ, રોકડ મળી કુલ રૂા.૩૪.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બંધ ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાતા તાલુકાના ચકચાર મચી જવા પામી હતી.