(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૭
ઘઉંના જથ્થાની આડમાં ટ્રકમાં લવાતો બુટલેગર અલ્પુ સિંધીનો રૂા.૧૧ લાખનો શરાબનો જથ્થો ક્રાઇમ બ્રાંચ પોલીસે રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડયો છે. પોલીસે ટ્રક અને દારૂનો જથ્થો મળી રૂા.૩૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર અલ્પુ સિંધી તથા ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના ડભોઇ રોડ થી તરસાલી જતાં રોડ પર ઘાઘરેટીયા નજીક ટ્રકમાંથી મોટો દારૂનો જથ્થો ઉતારવામાં આવનાર હોવાની વિગત ક્રાઇમ બ્રાંચ પોલીસને મળી હતી. પેટ્રોલીંગ કરી રહેલ પોલીસને બાતમી મળતાં પોલીસે વુડાનાં મકાન પાસે શંકાસ્પદ ટ્રકની તલાસી લેતા તેમાં ઘઉંના ૧૦૦ નંગ કટ્ટા નીચેથી ઇંગ્લીશ દારૂની ૩૨૮ નંગ બોકસ મળી આવ્યા હતા. રૂા.૧૧ લાખનો દારૂ અને ટ્રક તેમજ ઘઉંનો જથ્થો મળી કુલ રૂા.૩૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસની તપાસમાં આ દારૂનો જથ્થો નામચીન બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ સિંધી (રહે. સંતકવર કોલોની, વારસીયા) એ મંગાવ્યો હોવાની વિગતો ખુલતા પોલીસે અલ્પુ સિંધી તથા ટ્રક ચાલકને ફરાર જાહેર કર્યો હતો.