(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૪
ફતેહપુર બેરીમાં શનિધામના સંસ્થાપક દાતી મદન મહારાજ રાજસ્થાની પર એમની શિષ્યાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો છે. દાતી મહારાજ વિરૂદ્ધ દિલ્હીમાં આઈપીસી ધારા હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. ૬૮ વર્ષીય દાતી મહારાજ આટલા પ્રસિદ્ધ બાબા કેવી રીતે બન્યા એની પાછળ પણ એક રસપ્રદ વાત છે. રાજસ્થાનના પાલી જિલ્લાના અલાવાસ ગામમાં ૧૯પ૦માં દાતીનો જન્મ થયો. દાતીનું નામ મદન રાખવામાં આવ્યું. દાતીના પિતા ઢોલ વગાડીને ગુજરાન ચલાવતા હતા. મદનના સાત વર્ષ પૂરા થતાં તો માં-બાપ બંનેના મૃત્યુ થઈ ગયા. રોજગારની શોધમાં ગામના કોઈ શખ્સ સાથે મદન દિલ્હી આવીને મજૂરી કરવા લાગ્યો. શરૂઆતમાં તેણે ચાની કીટલી પર મજૂરી કરી પછી કૈટરિંગનું કામ શીખ્યું. ૧૯૯૬માં એની મુલાકાત એક જ્યોતિષ સાથે થઈ. એમણે મદનને જન્મ કુંડળી જોતા શીખવાડી દીધી. ત્યારબાદ બધા કામો બંધ કરીને કૈલાશ કોલોનીમાં જ્યોતિષ કેન્દ્ર ખોલ્યું. અહીં તેમણે પોતાનું નામ મદનમાંથી દાતી મહારાજ કર્યું. ૧૯૯૮માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવારની કુંડળી જોઈને તેને જીતવાની ભવિષ્યવાણી કરી અને એ જીતી ગયો. આ ઉમેદવારે ખુશ થઈને તેના વારસાગત મંદિરોની દેખરેખનું કામ દાતીને સોંપી દીધું. જેના લીધે આ ક્ષેત્રમાં દાતીની લોકપ્રિયતા વધી ગઈ. વર્ષ ર૦૧૦માં એમને ૧૦૦૮ મહામંડળે કરવાની ઉપાધિ મળી. ત્યારબાદ ટીવી ચેનલ પર એમના પ્રોગ્રામ આવવા લાગ્યા અને દાતીએ અનેક જગ્યાએ પોતાના આશ્રમ, હોસ્પિટલ, ગૌશાળા, અનાથઆશ્રમ બનાવવા શરૂ કર્યા અને ધીમે ધીમે દિલ્હી-રાજસ્થાન સહિત ઘણાંય રાજ્યોમાં દાતી મહારાજ એક મોટું નામ બની ગયું.