થાણે,તા. ૨૨
ભારતના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી દાઉદ ઇબ્રાહિમને લઇને ફરી એકવાર જોરદાર ગરમી પ્રવર્તી રહી છે ત્યારે હાલમાં જ ઝડપાઇ ગયેલા તેના ભાઇ ઇકબાલ કાસ્કરે કેટલીક ચોંકાવનારી માહિતી આપી છે. કાસ્કરે દાઉદ પાકિસ્તાનમાં હોવાની કબૂલાત પણ કરી છે. સાથે સાથે તેના ચારથી પાંચ સરનામાની વાત પણ કરી છે. ૬૦ વર્ષીય કાસ્કરની તેના બે સાગરિતો સાથે ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ખંડણી સાથે સંબંધિત મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની એન્ટી એક્સટોર્શન સેલની ટીમ દ્વારા સ્થાનિક રાજકારણીઓ સાથે કાસ્કરની સાંઠગાંઠમાં પણ તપાસ ચાલી રહી છે. કાસ્કરે તપાસ અધિકારીઓને એમ પણ કહ્યું છે કે, દાઉદ તેની સાથે વાત કરવાનું ટાળે છે. કારણ કે, દાઉદને એવો ભય છે કે, ભારતમાં તેના ફોન ટેપ થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી દાઉદે તેની સાથે અથવા તો પરિવારના સંબંધીઓ સાથે વાત કરી નથી. કાસ્કરે એવો દાવો કર્યો છે કે તે અનિષ ઇબ્રાહિમ સાથે સંપર્કમાં હતો જે ભૂતકાળમાં તેના ક્રાઈમ સામ્રાજ્યને ચલાવવા દાઉદની મદદ કરી ચુક્યો છે. કાસ્કરનું કહેવું છે કે, તેના મોબાઇલ ફોન ઉપર ઇન્ટરનેશનલ નંબરથી તે તેને ફોન કરતો હતો. આના કારણે પાકિસ્તાનની પોલ ખુલી ગઇ છે. ઇકબાલ કાસ્કરે એવી કબુલાત કરી હોવાના હેવાલ મળ્યા છે કે દાુદ પાકિસ્તાનમાં છે. કાસ્કર દ્વારા ચારથી પાંચ સરનામાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વૈશ્વિક ત્રાસવાદી પાકિસ્તાનમાં હોવાના હેવાલને ત્યાની સરકારે હમેંશા ઇન્કાર કર્યો છે. જો કે હવે ભારતના ડોઝિયરને સમર્થન મળી રહ્યુ છે. ૬૦ વર્ષીય દાઉદના ભાઇની ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. દેશના વાણિજ્ય પાટનગર મુંબઈમાં ખંડણીના આરોપસર ઝડપાઈ ગયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસ્પરને આઠ દિવસના રિમાન્ડ પર સોંપવાનો થાણે કોર્ટે અગાઉ આદેશ કર્યો હતો. ઇકબાલ કાસ્કરના નજીકના સાગરિતોને પણ કોર્ટમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થાણે કોર્ટે તમામને રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો. ઇકબાલ કાસ્પરની ધરપકડ થયા બાદથી અંધારી આલમમાં ભારે સનસનાટી મચેલી છે. આ મહિનાની શરૂઆતમાં જ થાણે એઇસીનો હવાલો સંભાળી ચુકેલા પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદિપ શર્માના નેતૃત્વમાં આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ. તપાસમાં કાસ્કરનું નામ સપાટી ઉપર આવ્યા બાદથી જ તેની ગતિવિધિ ઉપર પોલીસ ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી. કેસના સંદર્ભમાં થાણે અને મુંદરામાંથી બે બિલ્ડરોના નામ પણ સપાટી ઉપર આવ્યા છે. એક બિલ્ડરની ધરપકડ થઇ ચુકી છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નાના ભાઇ ઇકબાલ કાસ્કરની થાણે પોલીસે ધરપકડ કરતા અંધારી આલમમાં સોપો પડી ગયો હતો. કાસ્કરને ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇકબાલની બળજબરીપૂર્વક ખંડણી વસુલ કરવા અને ધાક ધમકી આપવાના મામલે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના બીજા ચાર સાગરીતોની ધરપકડ કરવામા ંઆવી હતી. તેમના પર ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે. મુંબઇમાં સ્થિત તેના ઘરથી ઇકબાલની ધરપકડ કરવામા ંઆવી હતી. ઇકબાલ કાસ્કરે એક બિલ્ડરને ફોન પર ધમકી આપીને તેની પાસેથી પૈસા એકત્રિત કરવાના પ્રયાસ કર્યા હતા. બિલ્ડર પાસેથી પહેલાથી જ ચાર ફ્લેટ લઇ ચુકેલા ઇકબાલ તેની પાસેથી વધુ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. તેની સાથે તાણે, અને મુંમ્બરાના બે બિલ્ડરોની પણ ધરપકડ કરવામા ંઆવી હતી. ઝડપાઇ ગયેલા બિલ્ડરો પૈકી એક પર આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. કાસ્કર બિલ્ડરને પોતાના ભાઇ દાઉદના નામે ધમકાવતો હતો. કાસ્કરે બિલ્ડર પાસેથી જંગી નાણાં માંગ્યા હતા. એવુ પણ જાણવા મળ્યુ છે કે થાણે, ઉલ્હાસનગર અને ડોમ્બીવલીમાં અનેક એવા બિલ્ડર છે જે કાસ્કરને ખંડણીના નામે જંગી નાણાં આપી ચુક્યા છે. દાઉદના નામ ઉપર બિલ્ડરોને ધમકી આપવામાં આવી રહી હતી. કાસ્કર સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્‌ડ ક્રાઈમ એક્ટ હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવી શકે છે. કાસ્કર પ્રથમ વખત સકંજામાં આવ્યો નથી.૨૦૧૫માં ખંડણીના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી.