અમદાવાદ,તા. ૨૨
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં બીમાનગર પાસે રૂ.છ લાખ ભરેલી બેગ મૂકીને ડોકટર પાસે ગયેલા જમીનદલાલને છ લાખ રોકડા અને મહત્વના દસ્તાવેજો કારમાંથી ગુમાવવાનો વારો આવ્યો હતો કારણ કે, જમીનદલાલ પોતાની કાર મૂકીને ગયા તે દરમ્યાન થોડી જ વારમાં કોઇ અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી બેગ લઇ નાસી છૂટયો હતો. જમીનદલાલને રૂ.છ લાખ ભરેલી બેગ મૂકીને જવું ભારે પડયું હતું. આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં સેક્ટર-૭ સત્યાગ્રહ છાવણી ખાતે રહેતાં અને જમીનદલાલીનો વ્યવસાય કરતાં તરૂણભાઇ વર્મા ગઇકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે સેટેલાઇટ બીમાનગર ખાતે આવેલા ગેલેક્સી કોમ્પલેક્ષ પાસે પોતાની કાર પાર્ક કરીને હોમીયોપેથી ડોકટર પાસે દવા લેવા ગયા હતા. એ દરમ્યાન તેઓ છ લાખ રૂપિયા રોકડા ભરેલી બેગ અને મહત્વના દસ્તાવેજો કારમાં જ છોડીને ગયા હતા. બીજીબાજુ, આ તકનો લાભ લઇ કોઇ અજાણ્યો શખ્સ કારનો કાચ તોડીને કારમાંથી છ લાખ રોકડા અને મહત્વના દસ્તાવેજોવાળી બેગ લઇ રફુચક્કર થઇ ગયો હતો. દરમ્યાન તરૂણભાઇ દવા લઇને પરત ફર્યા ને જોયું તો કારની બારીનો કાચ તૂટેલો હતો. તેમણે તરત જ બેગની તપાસ કરી પરંતુ બેગ કારમાં ન હતી, તેમને ખ્યાલ આવી ગયો કે, કોઇએ બેગ પર હાથ સાફ કરી નાંખ્યો છે. એટલામાં ત્યાં દૂર ઉભેલા બે શખ્સો તરૂણભાઇ પાસે આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે, તમારી ગાડીમાંથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો ગાડીનો કાચ તોડી તમારી બેગ લઇ રોંગ સાઇડમાં ફરાર થઇ ગયા છે. જેથી તરૂણભાઇએ સમગ્ર ઘટના અંગે સેટેલાઇટ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરી સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી હતી.