(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૫
દિલ્હીના નિર્ભયા કેસમાં ૪ નરાધમોને ૨૨મી જાન્યુઆરીના રોજ ફાંસી આપવાના મામલામાં વધુ એક કાનૂની દાવપેચ આડે આવ્યો છે. જો કે ફાંસીની સજા રદ થવાની કોઇ શક્યતા નથી પણ ૨૨મીએ ૪ નરાધમોને ફાંસી નહીં અપાય એ નક્કી થઇ ગયું હોવાના સંજોગોનું નિર્માણ થયું છે. ૪ નરાધમો પૈકીના એક મુકેશે મંગળવારે સુ્‌પ્રિમ કોર્ટે તેમની ક્યુરેટીવ પીટીશન ફગાવી દીધા બાદ તેમણે છેલ્લાં બચાવ તરીકે વકીલ દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરીને તેની જાણ આજે કોર્ટને કરીને ફાંસી રોકવાની દાદ માંગતા સમગ્ર કેસમાં વધુ એક વળાંક આવ્યો હતો. ચાર દોષિતો વિનય શર્મા(૨૬), મુકેશકુમાર(૩૨), અક્ષયકુમાર સિંહ(૩૧) અને પવન ગુપ્તા(૨૫)ને ૨૨મીજાન્યુઆરીએ તિહાર જેલમાં ફાંસીના માચડે લટકાવી દેવાના હતા. દિલ્હીની અદાલતે ૭મી જાન્યુઆરીએ તેમના ડેથ વોરંટ પર સહી કરી હતી. રાષ્ટ્રપતિ દયાની અરજી ધારો કે આજે ૧૫મીએ ફગાવે કે જ્યારે પણ ફગાવે તો પણ તે પછી પણ મુકેશને ૧૪ દિવસની તક મળે તેમ હોવાથી ૨૨મીએ ફાંસી નહીં અપાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું. દરમ્યાનમાં દિલ્હીની તિહાડ જેલમાં આ નરાધમોને ફાંસીના માંચડે લટકાવવાની જલ્લાદ સહિતની તમામ તૈયારીઓ થઇ ગઇ છે.
ગઇકાલે મંગળવારે સુપ્રિમ કોર્ટે નરાધમોની ક્યુરેટીવ પીટીશન રદ કરતાં ૨૨મીએ નિર્ભયાના દોષિતોને હવે ફાંસીના માંચડે લટકાવતાં કોઇ અડચણ નથી એમ સૌ કોઇને લાગી રહ્યું હતું. પરંતુ કાયદામાં રહેલી જોગવાઇ કે છટકબારીનો લાભ લઇને મુકેશ નામના એક દોષિતે ગઇકાલે જ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી નાંખી હતી અને આજે સુનાવણી વખતે નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષીઓને ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય ટળી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષીઓને કાયદાકિય રીતે ૧૪ દિવસનો સમય આપવાનો હોય છે. તેની અરજી પર આજે બુધવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચ સુનાવણી કરી હતી. આ સાથે જ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આરોપી જે થાય એ કરી લે, પણ હવે આ કેસમાં બધુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટેથી કંઈ જ છુપુ રહ્યું નથી. આશા છે કે મુકેશની માંગ રાષ્ટ્રપતિ ફગાવી દેવાશે. આરોપી મુકેશે કોર્ટને કહ્યું કે, તેની દયા અરજી દિલ્હીના ઉપરાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે છે. જેના નિર્ણય માટે ફાંસી પહેલા તેને ૧૪ દિવસનો સમય આપવામાં આવે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે બે આરોપી મુકેશ અને વિનય શર્માની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે ગત સપ્તાહે તમામ ચાર આરોપીઓ મુકેશ, વિનય, પવન અને અક્ષયનું ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જેમાં તિહાર જેલમાં ફાંસી માટે ૨૨ જાન્યુઆરી સવારે ૭ વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. હવે આરોપીઓ પાસે માત્ર ૭ દિવસ જ બચ્યા હતા. પરંતુ હવે તેમને વધુ દિવસો સુધી જીવવાની તક મળી શકે તેમ છે. અલબત્ત ફાંસીનની સજે રોકાય તેવી કોઇ શક્યતા જણાતી નથી. સૂત્રોએ કહ્યું કે ફાંસીની સજા રદ કરીને તેમને જન્મટીપની સજા આપવાનું કોઇ પગલુ રાષ્ટ્રપતિ દ્વારા લેવાય તેવી કોઇ શક્યતા નથી. આ એક એવો કેસ છે કે જે ભારતના અપરાધના ઇતિહાસમાં નોંધાઇ ગયો છે અને આરોપીઓએ ગેંગરેપ દરમ્યાન આચરેલી હિંસા અને ક્રૂરતા એટલી ભયાનક છે કે કોઇ પણ રાષ્ટ્રપતિ દયાની અરજી માન્ય રાખે નહીં. પરિણામે ફાંસીમાં મોડુ થઇ શકે છે.

વીજળીની ગતિ’એ દિલ્હી સરકારે ગેંગરેપના દોષિતોની દયા અરજી રદ કરવા કેન્દ્રને કહ્યું

૨૦૧૨માં ગેંગરેપ બદલ મોતની સજાનો સામનો કરી રહેલા ચારમાંથી એક દોષિત મુકેશસિંહે કરેલી દયા અરજી રદ કરવા માટે દિલ્હી સરકારે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે તેમ દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ બુધવારે જણાવ્યું હતું. ફાંસીથી દૂર રાખવા મુકેશે કરેલી રાષ્ટ્રપતિ ભવનની મીટ બાદ ૨૪ કલાકની અંદર જ દિલ્હી સરકારે ગૃહમંત્રાલયને આ ભલામણ કરી છે. સિસોદિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકાર દ્વારા કોઇ વિલંબ નહીં થયું હોવાની ખાતરી કરવા માટે સરકાર વિજળીની ગતિએ કામ કરી રહી છે. સિસોદિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ નવી દયા અરજી દાખલ થઇ હતી. દિલ્હી સરકાર વિજળીની ગતિએ કામ કર્યું છે અને ઉપરાજ્યપાલને ફાઇલ પરત મોકલી દીધી હતી. અમારી તરફથી તેની દયા અરજી રદ કરાઇ છે. આ નવી દયા અરજી માત્ર રાષ્ટ્રપતિને મોકલાઇ છે. તિહાર જેલના અધિકારીએ દિલ્હી હાઇકોર્ટની બે જજોની બેંચને જણાવ્યું હતું કે, જો દયા અરજી પેન્ડિંગ હશે તો ચાર દોષિતોને ૨૨મીએ ફાંસી આપવાનું શક્ય બનશે નહીં ત્યારબાદ દિલ્હી સરકારની પ્રતિક્રિયા આવી છે. આરોપી મુકેશ સિંહે દિલ્હી હાઇકોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, રાષ્ટ્રપતિ સમક્ષ તેની દયા અરજી પેન્ડિંગ હોવાથી તેની સજા પર રોક લગાવવામાં આવે.