સેન્ચુરિયન, તા.૨૬
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાકિસ્તાન વિરૂદ્ધ શરૂ થયેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં અખર જમાનને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે શોન પોલોકની ૪૨૧ વિકેટના રેકોર્ડને તોડતા ૪૨૨ વિકેટ ઝડપી લીધી છે. આ મેચ પહેલા ડેલ સ્ટેન અને શોન પોલોક ૪૨૧ વિકેટની સાથે આફ્રિકા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.
પાકિસ્તાન સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈનિંગની સાતમી ઓવરમાં ડેલ સ્ટેને ફખર જમાનને ડેન એલ્ગરના હાથે કેચઆઉટ કરાવીને આ સિદ્ધિ મેળવી હતી. શોન પોલોકે ૪૨૧ વિકેટ ઝડપવા માટે ૧૦૮ ટેસ્ટ રમી હતી. જ્યારે સ્ટેને માત્ર ૮૯મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી લીધી છે. મહત્ત્વનું છે કે, ડેલ સ્ટેન ઈજાને કારણે છેલ્લા ઘણા સમયથી પોતાની લયમાં જણાતો નથી. ત્યારે પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં તે પોતાના ફોર્મમાં પરત ફરે તેવી તેના ફેન્સ આશા રાખી રહ્યાં છે.