અક્ષય કુમારને તેના ચાહકે લખેલો ખુલ્લો પત્ર • હત્યારાના મૃતદેહને તિરંગામાં લપેટાયેલો જોઈને તમને દુઃખ નથી થતુ ં?

 

પ્રિય અક્ષયકુમાર,

હા, આપણા સૈનિકની શહીદી એ આપણા માટે રાષ્ટ્રીય કરુણતાની વાત છે,પણ શું ૧૧ વર્ષના વિરોધ-દેખાવકાર નસીર શફી અને ૪૪ વર્ષના આઝાદનું મોત પણ રાષ્ટ્રીય કરુણતા નથી? અરે, ૧૪ વર્ષની ઇન્શા નામની છોકરી કાશ્મીરમાં પેલેટ ગોળીબારમાં વીંધાઈને અંધ બની ગઈ અને એના જેવા અનેક લોકોને એ જ દુર્ભાગ્યનો સામનો કરવાનો આવ્યો એ બધું શું રાષ્ટ્રીય કરુણતા નથી? કે પછી ક્યાંક એવું તો નથીને કે, તમે હમણાંથી દેશભક્તિના જે પાત્રો ભજવી રહ્યા છો તેમાં તમે એવા તારતમ્ય પર આવ્યા છો કે, સૈનિકનું મૃત્યુ રાષ્ટ્રીય કરુણતા કહેવાય અને એ જ દેશના ‘અભિન્ન ભાગ’માં થતા અત્યાચારો કરુણતા ન કહેવાય? અને શું એવું છે કે, આ તો એક એવું રાષ્ટ્ર છે જ્યાં તેની ભૂમિનું રક્ષણ થાય છે, લાલનપાલન થાય છે પણ તેના રહેવાસીઓનું બિલકુલ નહીં!

જી હા. કોઈ સૈનિકને ઉરી હુમલા જેવું મૃત્યુ ન મળજો. (જોકે, મને તો હજીય શંકા છે કે ખરેખર એવો કોઈ હુમલો થયો હતો કે કેમ) પણ શું તેનાથી આપણે સવાલ કરવાના બંધ કરી દેવાના? ભારત દલીલ કરનારું રાષ્ટ્ર છે, એ એક મજાની હકીકત છે. આપણે તે જવા દઈશું ખરા? કે પછી આપણે હવે લોકશાહી રહેવાનું બંધ કરી દેવું જોઈએ?

તમારા છેલ્લા ટિ્‌વટમાં તમે સૈનિકોની જે વાત કરી છે તથા તેમનું માન-સન્માન જાળવવાની તરફેણ કરી છે તે જોતાં (મને સમજણ પડતી નથી કે, સવાલ પૂછવાથી તેમનું સન્માન કેવી રીતે હણાઈ જાય!) આટલું પૂછવાની મને જરૂર લાગે છે. એક સૈનિકના પિતાના હત્યારાનું મોત મચ્છર કરડવાથી થયું અને તેને એક સૈનિક જેવું સન્માન મળ્યું એ જોઈને તમને દુઃખ ન થયું? તેના મૃતદેહને તિરંગામાં લપેટ્યો એ જોઈને તમને ગુસ્સો ન આવ્યો, કે પછી શું એ અપમાન જ નહોતું? શહીદી વહોરનારા સૈનિકો અને તેમના પરિવારોની વાત તમે કરો છો, પણ એવા સૈનિકોનું શું જેઓ હજી હયાત છે અને હજી શહીદ થયા નથી? એમનાં કુટુંબોનું શું? શું તેઓ આપણા સન્માનને એટલા માટે યોગ્ય નથી કેમકે તેઓ હજી શહીદ થયા નથી? કોમી રમખાણોમાં પોતાના પિતાને ગુમાવનારા સૈનિકનું શું? એવા પરિવારોનું શું કે જેમના મુખ્ય માણસને જે ગમતું હતું તે તેમણે ખાધું એમાં એમની હત્યા થઈ ગઈ? તમે ટિ્‌વટ કરશો કે પછી માત્ર પ્રાર્થના જ કરીને અટકી જશો?

‘હોલીડે’ હોય કે, ‘બેબી’ કે પછી ‘ગબ્બર’ અથવા ‘રુસ્તમ’ હોય, તમે રાષ્ટ્રમાં એકતાનો એક મજબૂત સંદેશ પહોંચાડ્યો છે. તેથી , તમારી પાસે શું એ લોકો માટે કોઈ સંદેશ નથી જેમણે એક હત્યારાની અંતિમ વિધિમાં દાદરી પાસે ગામ આખાના લોકોને ભેગા કરીને રવિ સિસોદિયાના મોતનો બદલો લેવા ઉશ્કેર્યા? જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી રવિ સિસોદિયાના અંતિમ સંસ્કારને રોકી રાખવાનો નિર્ણય કોણે લીધો? “હમ ઇસકા બદલા લે કે રહેંગે”, “હિન્દુઓં ને ચૂડિયાં નહીં પહન રખી હૈં” તથા “ઈન મુલ્લાઓં કો જડ સે ઉખાડ દેંગે” આવાં ઉશ્કેરણીજનક ભાષણો દાદરી ખાતે અપાયાં છે તે સ્પષ્ટ રીતે જ હિંસાપ્રેરક છે, ઉશ્કેરણી માટે અને કોમી ધિક્કાર માટે અપાયાં છે, અને હત્યારાને રાષ્ટ્રધ્વજથી ઢાંકવાની કામગીરી તો સંપૂર્ણ રીતે ફ્લૅગકોડનું ઉલ્લંઘન છે. પણ આ બધામાં પોલીસ માત્ર મૂક પ્રેક્ષક જ બની રહી, તે પણ જોવા જેવું છે. શું તેમના માટે કોઈ વીડિયો કે ટિ્‌વટ ખરું કે પછી તમે તમારા ચાહકને ગુમાવવા માગતા નથી?

પણ, ઊભા રહો. હમણાથી તમારી ફિલ્મો જોતાં હું માનું છું કે તમે એવા સિદ્ધાંતવાદી માણસ છો અને તમે આ દેશમાં ભ્રષ્ટાચારથી માંડીને આતંકવાદ સુધી કોઈ પણ ખોટી વસ્તુની વિરુદ્ધ યોગ્ય સ્ટૅન્ડ જ લેશો, એમ હું માનું છું. અને મેં જોયું છે કે તમે મને સાચો જ પાડ્યો છે. શું આ વખતે પણ તમે મને સાચો પાડશો ખરા? શું તમે હાલમાં ચાલી રહેલા ધિક્કારના ફેલાવા સામે અને કોમવાદના કારણે ફેલાતી હિંસાની વિરુદ્ધ સ્ટૅન્ડ લેશો ખરા?

-આપનો ચાહક ઝૈનબ અહમદ (એક મૂંઝાયેલો ચાહક)