(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.ર૮
ડીસા તાલુકામાં અકસ્માતોની વધતી જતી વણઝાર વચ્ચે નોંધાયેલા વધુ એક અકસ્માતમાં ડીસાથી ધાનેરા જતાં રોડ પર બાઈવાડા પાસે બોલેરો જીપ અને મારુતિ વાન વચ્ચે અકસ્માતમાં જેમાં એક મહિલા સહિત ડીસાના એક વેપારીનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી વધુ મુસાફરોને ઈજા થતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
ડીસા તાલુકાના થેરવાડા ગામના વતની અને હાલ ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં રહેતા પારસમલ પુનમચંદ શાહ ( ઉ.વ.૪૮ ) સોમવારે પોતાની મારુતિવાન લઈને ડીસા ધાનેરા રોડના ગામોમાં પોતાના રૂટિન પ્રમાણે જવા નીકળ્યા હતા. દરમ્યાન બપોરે ત્રણેક વાગ્યે રાજસ્થાન તરફથી પુર ઝડપે આવી રહેલી બોલેરો જીપ ચાલકના ગફલતભર્યા ડ્રાઈવિંગથી જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં પારસમલ શાહ તેમજ જીપમાં બેઠેલી એક મહિલાને ગંભીર ઇજા થતાં બંનેનાં મોત નિપજ્યા હતા.જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થતાં તેમને ૧૦૮ મારફતે ડીસાની સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ અકસ્માત કરી જીપ ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. જેમાં ડીસા તાલુકા પોલીસે ભાગેડુ જીપ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ઇજાગ્રસ્તોેના નામ
રાણસિંહ જોરસિંહ રાજપૂત, મોહરા, રાજ.
ગમારામ તગારામ મેઘવાલ, રાજ.
સુરેશભાઈ ચુનીલાલ રાઠોડ, સિંધી કોલોની.
સોહનબેન મોડસિંહ રાઠોડ.