(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૪
ડીસાના કંસારીની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના બનાવથી ચકચાર ફેલાઈ છે. ત્રણ શખ્સોએ બળાત્કાર ગુજાર્યો અને આઠ સામે ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના કંસારી ગામની ૨૪ વર્ષીય યુવતીને અગાઉ રાજસ્થાન પરણાવેલી હતી.જો કે તેણીને પતિ સાથે છેલ્લા એક વર્ષથી મનમેળ ન હોવાથી તે રિસામણે આવી પિયરમાં રહેતી હતી તે દરમિયાન તેના સાસરી પક્ષમાં સંબંધમાં બાપુ થતા મલારામ વાગડા તેના ઘરે આવતા જતાં હોઈ તેણીને સામાજિક રીતે છૂટાછેડા લઈ બીજી જગ્યાએ લગ્ન કરાવવાની વાતચીત કરતા હતા જેથી યુવતી મલારામના સંપર્કમાં હતી તે દરમિયાન મલારામે તેણીને ફોન કરી જણાવેલ કે, રાજસ્થાનના પ્રતાપપુરાથી ડુંગરારામ જોરારામ ચૌધરીનો ફોન આવે તો વાત કરજે. જેથી ડુંગરારામનો ફોન આવતા તેઓએ ડીસા મળવા આવશે તેમ કહી વાતચીતો શરૂ કરી હતી. ત્યારબાદ નરસારામ તેમજ દીપારામ જોરારામ ચૌધરી ઉપરાંત અન્ય બે શખ્સો લાલારામ અને મસરારામ તેણીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી પ્રતાપપુરાથી મધ્યપ્રદેશના નિમ્બચ ખાતે રહેતા મનોજ આંજણાના ઘરે લઈ ગયા હતા ત્યાં પહોંચ્યા બાદ દીપારામ અને મનોજને જમવા માટે લેવા મોકલી નરસારામે તેણીને રૂમમાં પૂરી મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ દીપારામ અને મનોજ પણ ત્યાં આવતા તેણીને રૂમમાં બંધ કરી જતા રહ્યા હતા. થોડીવાર બાદ તરત જ મનોજ પાછો આવી તેણે પણ તેણીની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ દીપારામ અને મનોજ તેણીને ગાડીમાં બેસાડી મધ્યપ્રદેશના ખરગોન ખાતે રહેતા કમલેશ જોરારામ કાંદળીના ઘરે લઈ જઈ રૂમમાં રાખી હતી ત્યાં પણ દીપારામે તેણીની સાથે વારંવાર મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. તેણીએ ડીસા આવી પોલીસ સમક્ષ પોતાની સાથે થયેલા બનાવની જાણ કરતા પોલીસે બળાત્કાર ગુજારનાર અને મદદગારી કરનાર કુલ આઠ શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ બી.જે. ચાવડા ચલાવી રહ્યા છે.