ડીસા, તા.ર૮
દેશભરમાં બટાકા નગરી તરીકે પ્રખ્યાત થયેલા ડીસામાં બટાકાના સંગ્રહમાં છેલ્લા ત્રણ વર્ષથી ભયંકર મંદીના કારણે બટાકા રોડ પર ફેંકવાનો વારો આવેલો છે ત્યારે હાલમાં અનેક જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ સંચાલકો દ્વારા બટાકા જાહેરમાં ફેંકવામાં આવતા હોવાની ફરિયાદને લઈ ડીસાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા વેપારીઓને પ્રાંત કચેરીએ બોલાવી બટાકા જાહેરમાં ન નાંખવાની અપીલ કરાઈ હતી અને અન્યથા ચેતવણી સાથે કાનૂની કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું હતું.
ડીસા તાલુકો બટાટાના ઉત્પાદનને લઈ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવે છે અને ડીસામાં વર્ષે દહાડે બટાટાનું મબલખ ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બટાટાનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં બટાટાના પોષણક્ષમ ભાવો મળતા નથી. જેના લીધે ખેડૂતો વેપારીઓને તેમના ઉત્પાદન થયેલા બટાટાને સારો ભાવ મેળવવા માટે સંગ્રહિત કરવાની ફરજ પડતી હોય છે. અને બટાટાના સંગ્રહ માટે ડીસા તાલુકામાં ખૂબ જ મોટાપાયે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ અમુક ચોક્કસ સમયગાળા સુધી જ કરી શકાય છે. માર્ચમાં સંગ્રહિત થયેલા બટાટાના જથ્થાને મોડામાં મોડા નવેમ્બર સુધી સંગ્રહિત કરી શકાય છે અને ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજને ફરજિયાત ખાલી કરવા પડતા હોય છે તો બીજી તરફ બટાટાના ભાવો ન મળવાથી ખેડૂતો પણ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલા તેમના બટાટા લેવા આવતા નથી. જેના લીધે ના છૂટકે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોને આવા બટાટા ફેંકી દેવાની નોબત આવતી હોય છે. હાલ અનેક જગ્યાએ બટાકા જાહેરમાં ફેંકાતાં હોવાની ફરિયાદ મળી રહી છે ત્યારે ડીસાના નાયબ કલેકટર જે.બી.વદરે જાહેરમાં બટાટા ફેંકવા બદલ ડીસાના કોલ્ડ સ્ટોરેજ માલિકોને અપીલ કરવાની સાથે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ રીતે જાહેરમાં બટાટા ફેંકવાનું ભવિષ્યમાં બંધ કરવામાં નહિ આવે તો સી.આર.પી.સી.૧૩૩ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.