ભાવનગર, તા.૧૧
ગત ચૂંટણીમાં માત્રને માત્ર તાયફાઓ અને ભાષણબાજી કરવાના ઈરાદાઓ સાથે શરૂ થયેલી ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ અચાનક બંધ કરી દેવામાં આવી છે. છસ્સો કરોડ (૬૦૦ રૂપિયાના આંધણ પછી પણ હોડકાઓ બરાબર ચાલતા નથી. સમગ્ર પ્રોજેક્ટમાં ભાવનગર જિલ્લા નજીક ઘોઘા-બંદરથી જહાજમાં કાર, ટ્રક વિગેરે લઈને ઘોઘાની સામે આવેલ હજીરા પાસે દહેજનો કાંઠો બંને દરિયાના છેડે પ્લેટ ફોર્મ તૈયાર કરવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું. દહેજ ખાતે તો કામ પૂર્ણ થયુ પરંતુ ભાવનગર-ઘોઘા ખાતે ટર્મિનલ તૈયાર ન થયું જેને લીધે કાર, ટ્રક સાથેના જહાજ તો શરૂ ન થયા પરંતુ સામાન્ય પેસેન્જર શીપ સાદી ભાષામાં હોડકુ ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું. જેનું ઉદ્‌ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ કરેલ. જે ચૂંટણીલક્ષી હોય તેમ હાલમાં લાગી રહ્યું છે. દરિયામાં કરંટ હાલમાં વધી જતા અને ચોમાસા દરમ્યાન પાણીમાં ભારે કરંટ રહેતો હોય પેસેન્જર શીપ ચાલી શકે નહી. તેવા બહાના હેઠળ હાલમાં રો-સર્વિસના ઈન્ચાર્જે પેસેન્જરશીપ બંધ કરવાની અને સપ્ટેમ્બરમાં દરિયો જો સાનુકુળ હશે તો પુનઃ ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સપ્ટેમ્બર સુધી બંને બાજુના ટર્મિનલ ભેંકાર બની જશે.