(એજન્સી) તા.ર૭
કર્ણાટકમાં એક કોલેજે હિજાબ પર બેન મૂકી દીધો. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ વચ્ચે જેવા જ આ સમાચાર ફેલાયા કે તેમનો રોષ ફાટી નીકળ્યો. સોમવારે રપ જૂને આ મામલે મેંગ્લુરુ ખાતે આવેલી સેન્ટર એગ્નેસ કોલેજની બહાર મુસ્લિમ વિદ્યાર્થીઓએ ભારે માત્રામાં એકઠા થઈને દેખાવો કર્યા હતા. આરોપ છે કે કોલેજના મેનેજમેન્ટે ક્લાસમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા નામના સંગઠને આ મામલે કહ્યું હતું કે હિજાબ અમારી ગરિમાને દર્શાવે છે. આ અમારું રક્ષણ કરે છે. તમે તેને હટાવનારા કોણ થાઓ છો ? ફાતિમા નામની એક સ્ટુડન્ટે પણ સવાલ કર્યો હતો કે અમને હવે ચાલુ વર્ષે કોલેજમાં હિજાબ પહેરવા નહીં દેવાય. અમારું બંધારણ અને સરકાર જ્યારે અમને તેને પહેરવાની આઝાદી આપે છે તો કોલેજ આ અધિકાર કેવી રીતે છીનવી શકે છે ? એવામાં કોલેજની તમામ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ત્યાં સુધી ક્લાસમાં હાજર નહીં રહે જ્યાં સુધી સંસ્થા તેના નિર્ણયને પાછો નહીં લઈ લે. ફાતેમાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે એક તરફ તો સંસ્થા ધર્મ નિરપેક્ષતાની વાત કરે છે. જો કે બીજી બાજુ તે આ પ્રકારના નિર્ણયોની જાહેરાત કરી દે છે. જ્યારે કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના રાજ્યના એકમ સાથે જોડાયેલા રિયાઝે કહ્યું કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું એક પ્રતિનિધિ મંડળ બે દિવસ પહેલા આ મામલે પ્રિન્સિપાલને મળ્યું હતું. જેથી શાંતિપૂર્ણ રીતે આ મામલાને ઉકેલી શકાય. જો કે, પ્રિન્સીપાલ કે પછી અન્ય ફેકલ્ટીમાં કોઈએ પણ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી ન હતી. સોમવારે સવારે વિદ્યાર્થિનીઓએ ટીચિંગ સ્ટાફ સાથે આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમણે પણ આ મુદ્દે વાતચીત કરવાની ઈન્કાર કરી દીધો હતો. સંપૂર્ણ વિવાદ વચ્ચે સંસ્થાએ આ મામલે કહ્યું કે દરેક વિદ્યાર્થીના સન્માન માટે અમે આ નિર્ણય જાહેર કર્યો હતો. કોલેજ મુજબ સેન્ટ એગ્નેસ કોલેજ લઘુમતી માટે શૈક્ષણિક સંસ્થા છે. જે મુસ્લિમ મહિલાઓ પર વધારે ભાર મૂકેે છે. અમે દરેક વિદ્યાર્થીનું સન્માન કરીએ છીએ. મેનેજમેન્ટના પોતાના કેટલાક કાયદા નિયમ છે કે જેથી કરીને તમામ વસ્તુ યોગ્ય રીતે ચાલી શકે.