(એજન્સી) તુતીકોરીન, તા.રર
ભારતના દક્ષિણ રાજ્ય તામિલનાડુના તુતીકોરીનમાં સ્ટર્લાઈટ પ્લાન્ટના વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ લીધું હતું. હકીકતમાં અહીંયાના સ્થાનિક નિવાસી સ્ટર્લાઈટ કોપર યુનિટને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, આ પ્લાન્ટથી થઈ રહેલા પ્રદૂષણથી ગંભીર બીમારીઓ પેદા થશે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. જેના માટે અહીંયાના સ્થાનિય લોકો પ્લાન્ટને બંધ કરવાની માંગ કરી રહ્યા છે. સૂત્રો મુજબ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં હાલ સુધીમાં ૧ર લોકોનાં મોત થયા છે. જ્યારે અસંખ્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. સ્ટર્લાઈટ કોપર યુનિટ, કોપર યુનિટ ઓફ વેદાંતા લિમિટેડનું પ્રતિનિધિત્વ કરે છે. આ કંપનીએ હાલના દિવસોમાં શહેરમાં સ્ટર્લાઈટ કોપર પ્લાન્ટ વધારવાની ઘોષણા કરી હતી. સ્ટર્લાઈટ હાલમાં શહેરમાં ૪,૦૦,૦૦૦ ટન પ્રતિ વર્ષ એકમ સંચાલિત કરે છે. જો કે, પ્લાન્ટને બધા આવશ્યક પરવાનગી મળી છે અને તેઓએ કોઈપણ માપદંડનું ઉલ્લંઘન કર્યું નથી. સ્થાનિય નિવાસીઓ ઉપરાંત સામાજિક કાર્યકર્તાનો સ્ટર્લાઈટનો વિરોધ કરી રહ્યા છે. શહેરમાં પોલીસને ભારે સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. કાયદા વ્યવસ્થા બનાવી રાખવા પાડોશી જિલ્લાના પોલીસની મદદ લેવામાં આવી છે. તામિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ હિંસામાં મૃત્યુ થનારના પરિવારોને દસ લાખ રૂપિયાનું અને ઘાયલ લોકોને ત્રણ લાખ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. સાથે જ પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલ લોકોના પરિવારના એક સભ્યને નોકરી આપવાની ઘોષણા કરી છે. સીએમએ આખી ઘટનાની ન્યાયિક તપાસના આદેશ પણ આપ્યા છે.