(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
દક્ષિણ દિલ્હીના છતરપુરમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સાથે શનિવારે સર્જાયેલી એક ભીષણ અથડામણમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર રાજેશ ભારતી સહિત ચાર ગેંગસ્ટર માર્યા ગયા છે અને એક ગેંગસ્ટર ગંભીર રીતે ઘવાયો છે. એન્કાઉન્ટરમાં ૮ પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા છે. પોલીસ અને ગેંગસ્ટર્સ વચ્ચે અડ્‌ધા કલાક સુધી ગોળીબારની રમઝટ ચાલુ રહી હતી. અથડામણમાં પાંચે ગેંગસ્ટર્સ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને નજીકની હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ચાર ગેંગસ્ટેર્સે દમ તોડી દીધો હતો. દસ વર્ષમાં દિલ્હી પોલીસનું આ સૌથી ભીષણ એન્કાઉન્ટર બતાવવામાં આવી રહ્યું છે.
ગેંગસ્ટર ભારતી માટે પોલીસે ઇનામની જાહેરાત કરી હતી. અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા એક ગેંગસ્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ ઘણા કેસોમાં રાજેશ ભારતીને શોધી રહી હતી. પોલીસે રાજેશ ભારતી માટે એક લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. પોલીસે એન્કાઉન્ટરનો સમગ્ર વિસ્તાર ઘેરી લીધો છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. એક બાતમીને આધારે દિલ્હી પોલીસ છટકુ ગોઠવીનેે ગેંગસ્ટર્સની ધરપકડ કરવા માટે ફાર્મહાઉસ પર ગઇ હતી અને બધા ગેંગસ્ટર્સને ઘેરી લીધા હતા. પોલીસે રાજેશ ભારતી સહિત પાંચે ગેંગસ્ટર્સને શરણે આવવાનું કહ્યું હતું પરંતુ શરણાગતિ સ્વીકારવાને બદલે ગેંગસ્ટર્સે એસયુવીમાં નાસી છૂટવાનો પ્રયાસ કરીને પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે વળતી કાર્યવાહી કરતા પાંચે ગેંગસ્ટર્સ ગંભીર રીતે ઘવાયા હતા.
પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર્સને રાજેશ ભારતી, વિદ્રોહ, ઉમેશ ડોન અને ભીખુ તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા છેલ્લા બે-ત્રણ મહિનાથી છતરપુરના ફાર્મ હાઉસ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. પોલીસને એવી શંકા હતી કે અહીં ગેંગના સભ્યો આવે છે. ભારતી અને વિદ્રોહના માથા માટે એક લાખ રૂપિયા જ્યારે ઉમેશના માથા માટે ૫૦,૦૦૦ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. ભારતી ચાલુ વર્ષે હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે જણાવ્યું કે આ પાંચે ગેંગસ્ટર્સ હત્યા અને ખંડણીના ઘણા કેસોમાં આરોપી છે.

રાજેશ ભારતી કોણ હતોે ?
રાજેશ ભારતી જિંદનો વતની હતો પરંતુ દિલ્હી-એનસીઆરનો કુખ્યાત ગેંગસ્ટર હતો. તેની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ ૩૦૨ અને ૩૦૭ જેવી ગંભીર કલમો હેઠળ ઘણા કેસો નોંધાયેલા છે. રાજેશ ભારતી ખાસ કરીને દક્ષિણ દિલ્હીમાં ગુનો આચરીને હરિયાણામાં ભાગી જતો હતો. અન્ય રાજ્યોમાં પણ રાજેશની સામે હત્યા અને ખંડણીના કેસો નોંધાયેલા છે. રાજેશ ભારતીના માથા માટે એક લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.